જિમમાં ભારે વજન ઉપાડી લીધું તો એક આંખથી દેખાતું બંધ થઈ ગયું

18 December, 2025 04:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડાબી આંખ બંધ રાખીને તે માત્ર જમણી આંખની રોશનીથી માંડ પોતાની આંગળીઓ ગણી શકતો હતો. આંખની સ્થિતિ વધારે ખરાબ થવા લાગી એટલે યુવક આઇ-સ્પેશ્યલિસ્ટ પાસે દોડ્યો.

પ્રતીકાત્મક તસવીર

સાંભળીને પણ આશ્ચર્ય થાય એવી ઘટના દિલ્હીમાં એક યુવક સાથે બની છે. ૨૭ વર્ષના આ યુવકે નિયમિત રીતે જિમમાં તેનું વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું ત્યારે બધું સામાન્ય હતું. વર્કઆઉટમાં અત્યંત ભારે વજન ઉપાડતી વખતે યુવકે શરીરને ખૂબ સ્ટ્રેન્થ આપ્યું ત્યારે તરત તો શરીરમાં કોઈ પીડા ન થઈ, પણ તેને એવું અનુભવાયું કે તેની જમણી આંખથી બધું ધૂંધળું દેખાઈ રહ્યું છે. ડાબી આંખ બંધ રાખીને તે માત્ર જમણી આંખની રોશનીથી માંડ પોતાની આંગળીઓ ગણી શકતો હતો. આંખની સ્થિતિ વધારે ખરાબ થવા લાગી એટલે યુવક આઇ-સ્પેશ્યલિસ્ટ પાસે દોડ્યો. ડૉક્ટરને પણ લાંબી તપાસ પછી ખબર પડી કે શરીરમાં અત્યંત દબાણ સર્જાવાને કારણે આંખના રેટિના પાસેની નસને નુકસાન થયું છે. ડૉક્ટરે કહ્યું કે ઘણી વાર શરીરને વધારે સ્ટ્રેન્થ આપવાથી અત્યંત નાજુક નસો ફાટી જાય છે અને ઇન્ટર્નલ બ્લીડિંગ થાય છે. આ સ્થિતિમાં પણ એવું જ હતું. સારી વાત એ હતી કે રેટિનાને કોઈ નુકસાન નહોતું થયું એટલે આ બ્લીડિંગ થોડા સમયમાં આપોઆપ સારું થઈ જશે એવી ધરપત આપીને ડૉક્ટરે યુવકને પાછો મોકલ્યો અને તે યુવક સહિત આપણને બધાને વિનંતી કરી કે શરીરને દબાણ આપજો, પણ માપમાં.

offbeat news health tips healthy living health funda lifestyle news national news delhi news new delhi