૮૬ દિવસમાં બસ-ટ્રેન દ્વારા ૬૧,૪૪૫ કિલોમીટર પ્રવાસ કરી દિલ્હીવાસીએ બનાવ્યો રેકૉર્ડ

19 August, 2022 08:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુમીત ગુપ્તાએ ૧૧ સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે ૬૦,૦૦૦ કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યો છે

સુમીત ગુપ્તા

દિલ્હીમાં રહેતી એક વ્યક્તિએ એક જ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૮૬ દિવસમાં ટ્રેન અને બસ દ્વારા ૬૧,૪૪૫ કિલોમીટરનો પ્રવાસ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડે જણાવ્યું કે નવી દિલ્હીના સરાઈ રોહિલ્લા વિસ્તારમાં રહેતા સુમીત ગુપ્તાએ ૧૧ સપ્ટેમ્બરથી પાંચમી ડિસેમ્બર વચ્ચે ૬૦,૦૦૦ કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યો છે. સુમીત ગુપ્તાએ કહ્યું કે ભારત બહુ મોટો દેશ છે. એમાં વિશાળ રેલવે અને રોડ નેટવર્કનો ઉપયોગ મેં કર્યો હતો.

રેકૉર્ડ તોડવા માટે તેણે ટ્રાન્સપોર્ટેશન સર્વિસનો લાભ લીધો હતો. સુમીત ગુપ્તાએ કહ્યું કે ‘રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં બસ નેટવર્ક સારું છે એથી મેં આવાં રાજ્યોમાં બસથી પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હી, મુંબઈ, હાવડા અને ચેન્નઈ મહત્ત્વનાં રેલવે-સ્ટેશનથી મોટા ભાગની ટ્રેનો છૂટે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ગાઇડલાઇન મુજબ ટ્રેનની યાત્રા મેં આ ચાર સ્ટેશનોએથી કરી હતી.’

તે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારથી તેને આ કૅટેગરીમાં વર્લ્ડ રેકૉર્ડ સ્થાપવાની ઇચ્છા હતી. સુમીત ગુપ્તાના દાદા રેલવેમાં અકાઉન્ટ ઑફિસર તરીકે કામ કરતા હતા ત્યારથી તેને પ્રવાસ કરવાનો શોખ હતો.

રેકૉર્ડ તોડવા માટે તેણે તમામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની સૂચના મુજબ પ્રવાસ કરવાનો હતો અને માત્ર સરકાર સંચાલિત બસ અને ટ્રેનમાં પ્રવાસ કરવાનો હતો એથી તેણે રાજધાની અથવા શતાબ્દી એક્સપ્રેસ જેવી સ્પેશ્યલ ટ્રેનની મુસાફરી પણ ટાળી હતી. 

offbeat news national news