લગ્નમાં સપ્તપદી વખતે પતિએ અનોખું આઠમું વચન લીધું પત્ની પાસેથી

10 December, 2025 11:47 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કન્યા પણ કંઈ પાછીપાની કરવા તૈયાર ન હોય એમ પહેલાં ખચકાય છે, પણ પછી હસતાં-હસતાં જવાબ આપે છે, ‘ઓકે, સ્વીકાર છે.’ કન્યાની હા આવતાં જ બધા તાળીઓ પાડી ઊઠે છે.

નવદંપતી

મૅરેજની સીઝન જામેલી છે અને જાતભાતના અખતરા સાથે લોકો પરણી રહ્યા છે એના સમાચારો રોજ સામે આવે છે. હમણાં દિલ્હીનાં એક લગ્નની અનોખી વાત સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. આમ તો હિન્દુ પરંપરામાં કન્યા અને વરરાજા અગ્નિની સાક્ષીએ સપ્તપદી એટલે કે સાત પવિત્ર વચન લે છે. આ વાઇરલ વિડિયોમાં સાત વચન પૂરાં કર્યા પછી વરરાજાએ અચાનક આઠમું વચન ઉમેરીને બધાને ચોંકાવી દીધા હતા. એટલું જ નહીં, આ આઠમા વચન સાથે વરરાજાએ મૅરેજના ફંક્શનમાં રમૂજનો તડકો ઉમેરી દીધો હતો.

વિડિયોમાં જોવા મળે છે કે પંડિતજી સપ્તપદી પૂરી કરે એ પછી વરરાજા ચહેરા પર આછું સ્મિત લાવીને પત્ની તરફ જોઈને કહે છે, ‘હજી એક વચન લેવાનું છે. આજથી આપણી રૂમમાં ACનું ટેમ્પરેચર હું સેટ કરીશ.’

પહેલી ક્ષણે ગંભીર થઈ ગયેલું વાતાવરણ બીજી જ ક્ષણે હાસ્યની છોળોથી ભરાઈ જાય છે અને કન્યા પણ કંઈ પાછીપાની કરવા તૈયાર ન હોય એમ પહેલાં ખચકાય છે, પણ પછી હસતાં-હસતાં જવાબ આપે છે, ‘ઓકે, સ્વીકાર છે.’ કન્યાની હા આવતાં જ બધા તાળીઓ પાડી ઊઠે છે.

offbeat news national news india delhi news viral videos social media