10 March, 2026 02:05 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
૭ રૂપિયાની સિગારેટ માટે વિવાદ થતાં યુવકે દુકાનદારની આંગળીનું ટેરવું કરડી નાખ્યું
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બિલ્હોર ગામમાં સિગારેટની કિંમતના મામલે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ લઈ લીધું હતું. રવિવારની સવારે એક યુવક દીપુ નામના દુકાનદારને ત્યાં આવ્યો. પેલા યુવકે સિગારેટ માગી અને ત્યાં જ સિગારેટ સળગાવીને ફૂંકી લીધી. જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે તેણે સિગારેટના પાંચ જ રૂપિયા આપ્યા. સિગારેટ ૭ રૂપિયાની હતી એટલે દુકાનદારે વધારાના બે રૂપિયા માગ્યા. પણ પેલો યુવક બીજા બે રૂપિયા આપવા કેમેય તૈયાર ન થયો. બન્ને વચ્ચે બે રૂપિયા માટે શરૂ થયેલી નોંકઝોંક ગાળાગાળી અને ધક્કામુક્કીમાં પરિણમી. એ જ વખતે ગ્રાહક યુવક દુકાનદાર દીપુની ડાબા હાથની આંગળી પોતાના મોઢામાં લઈને એટલા જોરથી કરડ્યો કે તેનું ઉપરનું ટેરવું કપાઈને જમીન પર પડી ગયું. દરદથી કરાંજી ઊઠેલા દીપુનો હાથ લોહીલુહાણ થઈ ગયો. તેની ચીસો સાંભળીને આસપાસના લોકો જમા થઈ ગયા અને ભાગવાની કોશિશ કરી રહેલા યુવકની ઘેરાબંધી કરીને પકડી લીધો.