પેટમાં થઈ રહ્યું હતું ભયંકર દર્દ ડૉક્ટરે તપાસ કરી તો અંદરથી નીકળ્યો લગભગ એક ફુટ લાંબો રહસ્યમય જીવ

09 July, 2025 05:14 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આ માછલી આંતરડાંને ચીરીને બહાર નીકળી ગઈ હતી. ડૉક્ટરોએ સાવધાનીપૂર્વક એ જીવતી માછલીને ચીપિયાની મદદથી બહાર ખેંચી કાઢી હતી. એ માછલી એકથી દોઢ ફુટ કરતાંય વધુ લાંબી હતી.

પેટમાં એક ફુટ લાંબો કોઈ જીવ હતો.

ચીનના હુનાન પ્રાંતના ૩૩ વર્ષના એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને ડૉક્ટર પાસે લઈ જવાયો અને પીડાનું કારણ સમજવા માટે સ્કૅનિંગ કરવામાં આવ્યું તો એનું પરિણામ જોઈને પરિવારજનો તો ઠીક, ડૉક્ટરો પણ અચંબિત થઈ ગયા. તપાસમાં ખબર પડી કે તેના પેટમાં એક ફુટ લાંબો કોઈ જીવ છે અને એ હલી પણ રહ્યો છે. આ જીવ કઈ રીતે અંદર પહોંચ્યો એ પેશન્ટ કે ડૉક્ટર કોઈને ખબર નથી પડી. હુનાન મેડિકલ યુનિવર્સિટીના ઇમર્જન્સી રૂમમાં પેશન્ટને લઈ જવામાં આવ્યો હતો. આ જીવ જઠર અને આંતરડાંની દીવાલ તોડીને પેટમાં જે બહારની ખાલી જગ્યા હોય ત્યાં ઘૂસી ગયો હતો. એને કારણે દરદીનું પેટ એટલું કડક થઈ ગયું હતું કે જાણે અંદર કોઈ લાકડીઓ લગાવી દીધી હોય. જો તરત જ આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પેરિટોનિટિસ એટલે કે પેટમાં જીવલેણ ચેપ લાગી જશે એવું ડૉક્ટરોને લાગ્યું. તેમણે તરત લેપ્રોસ્કોપિક ઇમર્જન્સી સર્જરી કરી. પેટ પર કાણું પાડીને કૅમેરા નાખીને અંદરથી જોયું તો અંદર ઇલ એટલે કે સાપ જેવી દેખાતી લાંબી માછલી જેવું કંઈક જોવા મળ્યું. આ માછલી આંતરડાંને ચીરીને બહાર નીકળી ગઈ હતી. ડૉક્ટરોએ સાવધાનીપૂર્વક એ જીવતી માછલીને ચીપિયાની મદદથી બહાર ખેંચી કાઢી હતી. એ માછલી એકથી દોઢ ફુટ કરતાંય વધુ લાંબી હતી.

offbeat news china health tips international news