ગધેડા પાળવાનો ધંધો કરવો હોય તો સરકાર આપે છે ૫૦ લાખ રૂપિયા સુધીની સબસિડી

05 March, 2026 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલબત્ત, સ્કીમનો ફાયદો લેવો હોય તો એ માટે કેટલીક શરતો પણ છે. ગધેડા ઉપરાંત દેશી પ્રજાતિનાં ઊંટ અને ઘોડાના ઉછેરકેન્દ્ર માટે પણ સરકાર સબસિડી આપી રહી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

જો તમે નવો બિઝનેસ કરવાનો વિચાર કરી રહ્યા હો અને ટ્રેડિશનલ બિઝનેસથી હટીને કંઈક જુદું કરવા માગતા હો તો ડૉન્કી ફાર્મિંગ બિઝનેસ કરી શકાય. યસ, કેન્દ્ર સરકારે નૅશનલ લાઇવસ્ટૉક મિશન (NLM) અંતર્ગત ગર્દભપાલનને પ્રોત્સાહન આપવા માટે ૫૦ ટકા સુધીની સબસિડી આપવાની યોજના શરૂ કરી છે. મતલબ જો તમે આ પ્રોજેક્ટમાં એક કરોડ રૂપિયાનું રોકાણ કરવાના હો તો સરકાર તમને વધુમાં વધુ પચાસ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરી શકે છે. આ સ્કીમ પશુપાલનને પ્રૉફિટેબલ બનાવવા માટે અને દેશી નસલોને બચાવવાના ઉદ્દેશથી ચલાવવામાં આવે છે. સરકાર હવે ગર્દભપાલનને માત્ર પરંપરાગત કામ નહીં પરંતુ એક સંગઠિત ઍગ્રિકલ્ચરલ સ્ટાર્ટઅપ મૉડલના સ્વરૂપમાં જોઈ રહી છે. આ પ્રોજેક્ટમાં ૫૦ ટકા હિસ્સો સબસિડી તરીકે મળી શકે છે. આ રકમ બે ઇન્સ્ટૉલમેન્ટમાં અપાય છે. પહેલો હપ્તો બૅન્ક પાસેથી લોન પાસ થયા પછી અને બીજો હપ્તો પ્રોજેક્ટ શરૂ થયા પછી મળે છે. સરકારનું કહેવું છે કે એનાથી રૂરલ એમ્પ્લૉયમેન્ટ વધશે. ૨૦૧૯માં પશુગણના અનુસાર ગધેડાઓની સંખ્યા ઘટીને ભારતમાં માત્ર ૧.૨૩ લાખની જ રહી છે. દેશી પ્રજાતિના ગધેડાના સંરક્ષણ અને પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે આ સ્કીમ છે. આ પ્રોજેક્ટ લો ઇન્વેસ્ટમેન્ટ અને હાઈ રિટર્ન બિઝનેસ આઇડિયા તરીકે ઊભરી રહ્યો છે. અલબત્ત, સ્કીમનો ફાયદો લેવો હોય તો એ માટે કેટલીક શરતો પણ છે. ગધેડા ઉપરાંત દેશી પ્રજાતિનાં ઊંટ અને ઘોડાના ઉછેરકેન્દ્ર માટે પણ સરકાર સબસિડી આપી રહી છે.

wildlife offbeat news gujarati mid day indian government national news