30 December, 2025 03:38 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
લાકડાનું ભૂસું ભરેલી ટ્રક બોલેરો પર પલટી ખાતાં કાર પિચકાઈ ગઈ
ઉત્તર પ્રદેશના રામપુરમાં લાકડાનું ભૂસું ભરેલી એક ટ્રક સરકારી બોલેરો કાર પર પલટી ખાઈ જતાં કાર આખી પિચકાઈ ગઈ હતી. દબાઈને ચપટી થઈ ગયેલી કારમાં ચાલક દબાઈને મૃત્યુ પામ્યો હતો. રવિવારે સાંજે ૪ વાગ્યે સરકારી સાહેબને છોડીને કાર-ડ્રાઇવર ઘરે જઈ રહ્યો હતો. તેના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર ચાર રસ્તા પર તેણે ગાડી ઊભી રાખી હતી. એ પછી તેણે ગાડી શરૂ કરીને ટર્ન લેવાની કોશિશ કરી ત્યારે તેને ખબર નહોતી કે પાછળથી ટ્રક આવી રહી છે. ટ્રક-ડ્રાઇવરે કારને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પણ કાર લગભગ રસ્તાની વચ્ચે આવી ચૂકી હતી. એ પછી પણ કારને બચાવવા માટે વધુ સાઇડમાં જવાની કોશિશ કરવામાં ટ્રક બાજુના ડિવાઇડર પર ચડી જતાં સંતુલન ગુમાવીને ઊંધી વળી ગઈ હતી. ટ્રક લાકડાના ભૂસાથી લદાયેલી હતી એટલે ટ્રકની નીચે કાર સાવ ચગદાઈ ગઈ હતી અને એના પર લાકડાનું ભૂસું વેરાઈ ગયું હતું. લોકોએ લાકડાના ભૂસાને હટાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શક્ય નહોતું બન્યું. બુલડોઝર બોલાવીને ટ્રકને સીધી કરતાં કારચાલક સ્ટિઅરિંગ પર ફસાયેલો મૃત હાલતમાં મળ્યો હતો.