09 April, 2026 09:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચગડોળમાં બાળકીની ચોટલી ફસાઈ ગઈ, માથાની ચામડી સહિત વાળ ઊખડી ગયા
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં રસૂલપુર ગામમાં મંગળવારે લાગેલા મેળામાં ૮ વર્ષની એક બાળકી સાથે રૂંવાડાં ખડાં કરી દેતો અકસ્માત થયો. તે એક ચગડોળમાં મજા માણી રહી હતી અને તેની લાંબી ચોટલી પણ હવામાં લહેરાઈ રહી હતી. જોકે એ જ વખતે તેના લાંબા વાળની ચોટલી ચગડોળની પાસેના એક ખાંચામાં ફસાઈ ગઈ. ચોટલી ફસાવાને કારણે બાળકી એની સાથે ખેંચાતી ગઈ. લોકો કંઈ સમજે અને ચગડોળ રોકવામાં આવે એ પહેલાં તો બાળકીના માથા પરના વાળ ત્વચા સાથે ઊખડી ગયા અને ખોપડી લોહીલુહાણ થઈ ગઈ. બાળકીની ચીસો સાંભળીને તરત ચગડોળ રોકવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં બાળકીના વાળ ઊખડી ગયા હતા.