12 March, 2026 12:53 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
૮૦ વર્ષનાં રાજી નામનાં માજી
હૈદરાબાદમાં આવેલા શ્રી વેન્કટેશ્વર મંદિરમાં ભક્તિની મિસાલ ગણાતાં ૮૦ વર્ષનાં રાજી નામનાં માજીની ક્ષમતા જોઈને ભલભલા દંગ રહી જાય છે. મંદિરના પ્રાંગણમાં એક જાયન્ટ અને ભારેખમ ઘંટ છે. લગભગ ૨૫૦ કિલોના મેટલના આ ઘંટને વગાડવા માટે ભલભલા હટ્ટાકટ્ટા માણસને પણ થાક લાગી જાય. જોકે રાજીદાદી ભક્તિનું આ કાર્ય ખૂબ પૅશન સાથે કરે છે. દિવસમાં ૩ વાર આરતી અને પ્રસાદ ચડાવવાની પ્રક્રિયા દરમ્યાન ૧૫ મિનિટ માટે આ ઘંટ વગાડવામાં આવે છે. રાજીમાજી વેન્કટેશ્વર પ્રભુનાં એવાં પરમભક્ત છે કે છેલ્લાં પચીસ વર્ષથીયે વધુ સમયથી તેઓ લગભગ રોજ મંદિરમાં આ ઘંટ વગાડે છે. તેમના મોંમાં દાંત રહ્યા નથી અને શરીર જીર્ણ થઈ ગયાની ચાડી ખાય છે, પરંતુ પ્રભુ પ્રત્યેની ભક્તિનું ફ્યુઅલ તેમને ૮૦ વર્ષની ઉંમરે લગભગ અશક્ય લાગતું આ કામ કરવામાં મદદ કરે છે.