21 November, 2025 11:17 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
એક માણસે પોતાની ફરિયાદની રજૂઆત જે રીતે કરી એ સૌની આંખે ચડી હતી
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મંગળવારે કલેક્ટરની ઑફિસમાં એક સુનાવણી દરમ્યાન એક માણસે પોતાની ફરિયાદની રજૂઆત જે રીતે કરી એ સૌની આંખે ચડી હતી. સેંકડો લોકો વચ્ચે ઉસ્માન અલ્લાનૂર પોતાની ફરિયાદનાં પાનાંની માળા બનાવી એને ગળામાં પહેરીને જમીન પર સૂઈ ગયા હતા અને આળોટીને કલેક્ટર ભવન સુધી પહોંચ્યા હતા. આ ભાઈની ફરિયાદ હતી કે છેલ્લાં ૩ વર્ષથી તેઓ તહસીલદારથી લઈને પોલીસ સુધી ફરિયાદ કરી ચૂક્યા છે, પણ કોઈએ તેમની વાત પર કોઈ પગલાં લીધાં નથી. લગાતાર તેમની વાતને અવગણવામાં આવી હોવાથી તેઓ ઉજ્જૈનમાં કલેક્ટરની ઑફિસમાં પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે જમીનના દસ્તાવેજોમાં ફેરબદલ કરીને જમીનના નકશામાં બદલાવ કરી દેવામાં આવ્યો છે. ગામના જ વકીલ નાસિર ખાનના નામ પર એ કાગળમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે.
અધૂરામાં પૂરું, ઉસ્માનભાઈ કલેક્ટર ભવનમાં થઈ રહેલી જનસુનાવણીમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે હમણાં જ એ બેઠક પણ પૂરી થઈ ગઈ છે. એ વાત સાંભળીને ઉસ્માનભાઈ નિરાશ થઈ ગયા અને જમીન પર બેસી પડ્યા. તેમણે ફરિયાદનાં ૧૦૦થી વધુ પાનાંનો હાર બનાવ્યો અને ગળામાં પહેરીને આળોટવા લાગ્યા. આળોટીને તેઓ છેક ભવનમાં પહોંચ્યા. એ વાત કલેક્ટર રોશન સિંહને ખબર પડતાં તેમણે કેટલાક અધિકારીઓને મોકલ્યા હતા. અધિકારીઓને સોંપેલા આવેદનમાં ઉસ્માને કહ્યું હતું કે મારા ખેતરમાંથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને ઊલટાનું મારા પર જ ચોરીનો જૂઠો કેસ કરવામાં આવ્યો છે, હું ૨૦૨૨થી ફરિયાદ કરું છું પણ કોઈ સાંભળતું નથી.