28 July, 2026 02:39 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
એલિયાસ શ્વાર્ઝલર
ઑસ્ટ્રૅલિયાના માઉન્ટન-બાઇકર એલિયાસ શ્વાર્ઝલરે તાજેતરમાં આ પહેલાં કદી ન થયો હોય એવો સ્ટન્ટ કર્યો છે. પહાડો પર હાઇકિંગ અને સાઇક્લિંગ કરવાના શોખીન એલિયાસે એક હૉટ ઍર બલૂન પર સાઇકલ ચલાવવાનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. ૩૦ વર્ષના એલિયાસે જમીનથી લગભગ એક કિલોમીટર ઊંચે હૉટ ઍર બલૂન પર સાઇક્લિંગ કર્યું હતું. યસ, બલૂનની ઉપરના ભાગ પર તેણે પહેલાં ગોળ-ગોળ રાઉન્ડ માર્યા અને પછી તેણે સાઇકલ સાથે હવામાં કૂદકો મારી દીધો. સાઇકલ સાથે ચાર ગુલાંટિયાં ખાધાં પછી તેણે સાઇકલ પણ છોડી દીધી અને પૅરૅશૂટ ખોલીને જમીન પર લૅન્ડિંગ કર્યું હતું. આ ખતરનાક સ્ટન્ટ માટે તેની આખી ટીમે બે વર્ષ મહેનત કરી હતી. હૉટ ઍર બલૂન પર આવો રોમાંચક સ્ટન્ટ આ પહેલાં કદી કોઈએ કર્યો નથી.