14 February, 2025 01:59 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પોતાના બીમાર મહાવતને મળવા હાથી પહોંચ્યો હૉસ્પિટલ
હાથી ભાવનાપ્રધાન અને બુદ્ધિશાળી પ્રાણી છે. આ મૂક પ્રાણી પોતાના મહાવત પ્રત્યેની લાગણીથી છલકાતો હોય એવો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ વિડિયો જોનાર દરેકની આંખો હાથીનો પોતાના મહાવત પ્રત્યેનો પ્રેમ જોઈને છલકાઈ જાય છે.
આ વિડિયોમાં એક હાથી છેલ્લા શ્વાસ લઈ રહેલા બીમાર મહાવતને જોવા હૉસ્પિટલમાં આવે છે. હૉસ્પિટલના નાના દરવાજામાંથી તે ઘૂંટણથી નીચે નમીને અંદર આવે છે અને ધીમેકથી સાવધાનીપૂર્વક પોતાના પ્રિય મહાવતના ખાટલા પાસે જાય છે. એ પછી પોતાની સૂંઢથી મહાવતે ઓઢેલી ચાદર હટાવવાની અને તેને સ્પર્શ કરવાની કોશિશ કરે છે. જાણે એ પોતાના મહાવતને ઉઠાડવા માગતો હોય. ત્યાં પાસે ઊભેલી મહિલા મહાવતના હાથને પકડી પ્રેમથી હાથીની સૂંઢ પસવારે છે. હાથી પોતાના મહાવતનો સ્પર્શ કરે છે અને ધીમેકથી તેના ખાટલા પાસે નીચે બેસી જાય છે. આ દૃશ્ય જોઈને સૌની આંખો ભીની થઈ જાય છે. હાથી અને મહાવતનો આ અંતરના ઊંડાણથી જોડાયેલો નાતો જોનાર બધા ભાવુક થઈ ગયા છે. દિલને સ્પર્શી જનાર આ વિડિયો જોઈને બધા એકઅવાજે કહે છે કે સાચા પ્રેમની કોઈ સીમા નથી હોતી.