30 August, 2026 12:19 PM IST | Munger | Gujarati Mid-day Correspondent
બિહારમાં નકલી કૉન્ટ્રૅક્ટરે ૨૬ મજૂરો કામે લગાવીને BSNLના અન્ડરગ્રાઉન્ડ વાયરની ચોરી કરી
બિહારના મુંગેરમાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના અન્ડરગ્રાઉન્ડ વાયરો કાપીને ચોરી કરવાનું ષડ્યંત્ર બહાર આવ્યું છે. આરોપ છે કે અરરિયાના ઠેકેદાર બનીને એક માણસે શહેરમાં ૨૬ મજૂરોને રોડ ખોદવાના કામે લગાવ્યા હતા. મજૂરોને રાતના સમયે રોડ ખોદવાના કામે લગાવ્યા હતા અને લગભગ ૧ કિલોમીટર જેટલા રોડને ખોદીને BSNLના વાયર કાપી લેવામાં આવ્યા હતા. જોકે રાતના અંધારામાં ખોદકામ થતું જોઈને કોઈકે પોલીસને ફરિયાદા કરી હતી. ગુરુવારે રાતે પોલીસે સ્થળ પર પહોંચીને પૂછપરછ શરૂ કરતાં જ કૉન્ટ્રૅક્ટર બની બેઠેલો માણસ ભાગી ગયો હતો. કામ કરી રહેલા મજૂરોને તો આ નકલી કૉન્ટ્રૅક્ટર છે એવી પણ ખબર નહોતી. જોકે બધો પર્દાફાશ થાય એ પહેલાં પેલો માણસ ૧ કિલોમીટર લાંબો વાયર લઈને નૌ-દો-ગ્યારહ થઈ ગયો હતો.