કોરોનાથી બચવા અને ૧૫,૦૦૦ રૂપિયાની લાલચમાં ૩ મહિલાઓએ માથું મૂંડાવી નાખ્યું

30 July, 2026 04:00 PM IST  |  Salem | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના સાલેમ જિલ્લામાં નકલી તહેસીલદાર બની ઠગે કોરોનાથી બચાવ અને સરકારી સહાયના નામે મહિલાઓને માથું મૂંડાવવા ભ્રમિત કરી. ત્રણ મહિલાઓ વાળ મૂંડાવ્યા બાદ છેતરપિંડીનો ભોગ બની હોવાનું સામે આવ્યું.

કોરોનાથી બચવા અને ૧૫,૦૦૦ રૂપિયાની લાલચમાં ૩ મહિલાઓએ માથું મૂંડાવી નાખ્યું

તામિલનાડુના સાલેમ જિલ્લાના પુથુકોથમપાડી ગામમાં એક ફોન-કૉલે ગામની મહિલાઓમાં ફફડાટ ફેલાવી દીધો. ફોનમાં એક માણસે પોતે તહેસીલદાર બોલું છું એમ કહીને સરકારની નવી સ્કીમ અને ચેતવણી આપીને લોકોને ગભરાવી મૂક્યા હતા. પલાનીઅમ્મલ નામના આ તહેસીલદારે જે ઘરે ફોન કર્યો હતો તેમનું નામ અને પરિવારજનોનાં નામ જણાવીને કહ્યું હતું કે આ બધું તેમના સરકારી ડેટામાં મોજૂદ છે. સરકારી ઑફિસર બનીને તેણે કહ્યું હતું કે ‘કોરોના બહુ ઝડપથી દક્ષિણનાં રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે. જે લોકો માથું મૂંડાવી નાખશે તેમને આ ચેપથી સુરક્ષા મળી જશે એટલું જ નહીં, જો મહિલાઓ માથું મૂંડાવી દેશે તો ૧૫,૦૦૦ રૂપિયા, પુરુષોને મુંડન પર ૬૦૦૦ રૂપિયા અને ગર્લ સ્ટુડન્ટ્સ મુંડન કરાવશે તો ૪૫,૦૦૦ રૂપિયા સરકાર તરફથી મળશે.’
આ વાત ફેલાતાં જ ગામની કેટલીક બહેનો ભેગી થઈ. તેમને થયું કે કોરોનાથી બચવા મળતું હોય અને વળી રૂપિયા પણ મળતા હોય તો આપણે જ પહેલ કરીને સરકારને મદદ કેમ ન કરીએ? કાવેરી, રામાયી અને ચિત્રા નામની ત્રણ મહિલાઓએ પોતાના વાળ મૂંડાવી દીધા અને જે નંબર પરથી તેમને ફોન આવ્યો હતો એ તહેસીલદારને ફોન લગાવ્યો. જોકે એ ફોન બંધ આવતો હતો એટલે તેમણે તહેસીલદારની ઑફિસમાં જઈને સંપર્ક કર્યો તો ખબર પડી કે પલાનીઅમ્મલ નામનો કોઈ માણસ એ ઑફિસમાં કામ નથી કરતો. આ કોઈ ઠગ હતો. 

news offbeat news hatke news tamil nadu india