19 March, 2026 11:50 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પરિવારનું કહેવું હતું કે આ માત્ર સોશ્યલ મીડિયા માટે જ હતું
કર્ણાટકની રાજધાની બૅન્ગલોરમાં હેરાન કરી દે એવી એક ઘટના ઘટી. એક પરિવારે સોશ્યલ મીડિયામાં રીલ બનાવવા માટે હ્યુમન પાર્સલ સ્ટન્ટ કર્યો હતો. એનાથી કુરિયર ઑફિસમાં અફરાતફરી મચી ગઈ હતી. એક મહિલા તેના પિતાને પાર્સલની અંદર બંધ કરીને કુરિયરની ઑફિસમાં મૂકવા આવી હતી. પરિવારનો દાવો હતો કે રમઝાન દરમ્યાન ટ્રાવેલિંગમાં ભીડ ખૂબ વધી ગઈ છે અને બસની ટિકિટો પણ મળી નહોતી રહી એટલે તેમણે જીવતા-જાગતા માણસને કુરિયર કરવાનો સ્ટન્ટ કર્યો હતો. પરિવારનું કહેવું હતું કે આ માત્ર સોશ્યલ મીડિયા માટે જ હતું. બૅન્ગલોરની ઑફિસમાં જ્યારે આ મહિલા મોટું પૅકેટ લઈને પહોંચી તો સ્ટાફે પૂછ્યું કે અંદર શું છે? તો તરત તેણે પૅકેટ ખોલી દીધું. એમાં મહિલાના પિતા બંધ હતા. એ જોઈને કર્મચારીઓ ગભરાઈ ગયા. કર્મચારીનું કહેવું હતું કે પાર્સલમાં બંધ વ્યક્તિની હાલત ઠીક નહોતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તરત જ તેમને બહાર કાઢીને રાહત આપવામાં આવી. જોકે એ પછી પણ મહિલા અને તેનો પરિવાર આ પાર્સલને કુરિયરમાં મોકલવા માટે જીદ કરી રહ્યો હતો. આખરે કુરિયર ઑફિસના કર્મચારીએ પોલીસને જાણ કરી. તાબડતોબ દોડી આવેલી પોલીસ મહિલા સહિત તેના પતિ, સાસુ અને દિયરને થાણે લઈ ગઈ હતી. ત્યાં તેમણે માફી માગતો વિડિયો રેકૉર્ડ કર્યો ત્યારે પોલીસે તેમને છોડ્યાં હતાં.