03 November, 2026 01:14 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
રામદેવ જાટવ
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં પિતરાઈ ભાઈઓને હત્યાના આરોપમાં ફસાવવા માટે રામદેવ જાટવ નામના પિતાએ પોતાની જ ૮ મહિનાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. તેણે પોતાની દીકરીને જમીન પર પટકી-પટકીને મારી નાખી હતી. આ ઘટના ૨૮ ઑક્ટોબરની છે. દીકરીને માર્યા પછી પિતાએ પોલીસમાં જઈને ચાર પિતરાઈ ભાઈઓ અને તેમની પત્નીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં લખાવ્યું હતું કે પિતરાઈ ભાઈઓએ દીકરીના માથે ડંડા ફટકાર્યા હતા એટલે દીકરી લોહીલુહાણ થઈ ગઈ હતી. જોકે પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે ધીમે-ધીમે ઘટનાના પડળો ખૂલતાં ગયાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે માથામાં લાકડી વાગવાનું નિશાન નહીં, પરંતુ જમીન પર અફળાવાનાં નિશાન હતાં. પોલીસે રામદેવની જ ઊલટતપાસ કરતાં આખરે તેણે ખુદ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.