03 August, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેનો આરોપ છે કે કૌટુંબિક વિવાદ દરમિયાન, તેના પતિએ તે જીવતી હતી ત્યારે પ્રતીકાત્મક પિંડ દાન કર્યું હતી અને તેનો એક વીડિયો તેના વૉટ્સઍપ સ્ટેટસ પર પોસ્ટ કર્યો હતો. મહિલાએ પોલીસ સુરક્ષા માગી છે અને આરોપીઓ સામે કેસ નોંધવાની માગ કરી છે. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના લાઇનપર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના નાગલા વિષ્ણુ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારની રહેવાસી દીપા સ્વર્ણકરે 26 ઑગસ્ટ, 2014 ના રોજ જીતેન્દ્ર પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા. દીપાએ આરોપ લગાવ્યો છે કે લગ્ન પછીથી, તેના પતિ અને સાસરિયાઓ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. દીપાએ પોતાની ફરિયાદમાં તેના પતિ જિતેન્દ્ર પ્રકાશ, સાસુ મંજુ વર્મા, ભાભી શાલિની અને સાળા નકુલ પર સતત હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેના મતે, નાની નાની બાબતો પર ઝઘડા થતા હતા; તેના પર શારીરિક હુમલો કરવામાં આવતો હતો અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
દીપાના મતે, ૩૦ જુલાઈના રોજ તેના પર ફરી હુમલો કરવામાં આવ્યો. પરિસ્થિતિ વધુ વણસતાં તેને પોતાનો જીવ બચાવવા માટે ઘરના એક રૂમમાં છુપાઈ રહેવું પડ્યું. તેનો આરોપ છે કે આ ઘટના પછી પણ હેરાનગતિ ચાલુ રહી હતી.
દીપાએ આરોપ લગાવ્યો છે કે ૨ ઑગસ્ટના રોજ તેના પતિએ તે જીવતી હતી ત્યારે પ્રતીકાત્મક પિંડ દાન કર્યું હતું. ત્યારબાદ, આ ધાર્મિક વિધિનો એક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને તેના વૉટ્સઍપ સ્ટેટસ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. દીપાએ જ્યારે તેના પતિને આ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "તું મારા માટે મરી ગઈ છે. હું હવે તારી સાથે નહીં રહીશ." દીપાએ જણાવ્યું કે આ ઘટનાથી તેને ઊંડો માનસિક આઘાત લાગ્યો છે. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેની પાસે આ ધમકીઓના ઓડિયો રેકોર્ડિંગ હોવાનો દાવો છે અને જણાવ્યું છે કે તે તપાસ દરમિયાન તેમને પોલીસને સોંપી દેશે.
દીપાને બે નાના બાળકો છે. તે જણાવે છે કે ચાલી રહેલા વિવાદો અને ઉત્પીડન બાળકોના માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યા છે. તેણે લાઇનપર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરી છે, જેમાં FIR નોંધવાની, પોતાના અને પોતાના બાળકો માટે પોલીસ સુરક્ષા અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. ફિરોઝાબાદના અધિક પોલીસ અધિક્ષક (શહેર) રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદ મળી છે અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, અને તપાસ દરમિયાન બહાર આવનારા તથ્યોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.