01 July, 2025 12:38 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સૂપ પીતી વખતે એનું હાડકું પણ ગળાઈ ગયું, થોડા દિવસ પછી ગળામાંથી કાંટાની જેમ બહાર આવ્યું
સુરિયાન બુપ્પા આર્ટ નામના ફેસબુક-અકાઉન્ટ પર એક ભાઈએ પોતાની પત્નીની દુખદ આપવીતી શૅર કરી હતી. એ પોસ્ટની સાથે પત્નીના ગળામાંથી એક સફેદ કાંટો બહાર આવી રહ્યો હોય એવું દેખાતું હતું. આ કાંટો બીજું કંઈ નહીં, પણ માછલીનું હાડકું હતું. તેણે આ પોસ્ટની સાથે ચેતવણી લખી હતી કે હવે જો કોઈએ માછલીનો સૂપ પીવો હોય તો પીતાં પહેલાં ધ્યાન રાખજો કે એમાં કોઈ હાડકું તો નથીને? આવી સલાહ પાછળ પત્ની સાંગની હેરાનગતિ હતી. વાત એમ હતી કે થોડા દિવસ પહેલાં સુરિયાનની પત્નીએ ઉતાવળે માછલીનો સૂપ પીધો હતો અને વખતે એની સાથે માછલીનું હાડકું પણ ગળાઈ ગયું હતું. એક વાર ગળામાં ગયા પછી તેણે એ કાંટા જેવું શાર્પ હાડકું બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પણ સફળતા ન મળી. કાંટાને કારણે સાંગને ગળામાં ખૂબ દુખતું હતું. સાવચેતીના ભાગરૂપે સુરિયાનભાઈ તેને હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં એક્સ-રે કાઢવામાં આવ્યો તો તેમના ગળા કે પેટમાં કોઈ અણીદાર કાંટા જેવી ચીજ જોવા ન મળી. સાંગને એ પછી પણ ગરદનમાં દુખાવો અને શાર્પ કાંટો ભોંકાતો હોય એવી પીડા થતી રહેતી હતી. થોડા દિવસ પછી અચાનક સુરિયાનની પત્નીને ગળા પર કંઈક ચૂભતું હોય એવું ફીલ થવા લાગ્યું. તેની ગરદન પાસેથી એક કાંટો બહાર આવી રહ્યો હતો જે ગળાના અંદરના અવયવોને ચીરીને છેક બહારની ચામડી પર દેખાવા લાગ્યો હતો. સુરિયાનભાઈ ફરી પત્નીને લઈને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરોએ એ પછી નાની સર્જરી કરીને એ કાંટા જેવા હાડકાને બહાર કાઢ્યું હતું.