16 April, 2026 02:52 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
વાંદરાઓને મારવા પંચાયતે લાડુમાં ઝેર મેળવેલું, ૪ વર્ષના બાળકે એ લાડુ ખાઈ લેતાં જીવ ગયો
તેલંગણના મુલુગુ શહેરની એક ઘટનામાં ચાર વર્ષના બાળકનું ઝેરી લાડુ ખાઈ લેવાથી મૃત્યુ થયું હતું. હકીકતમાં આ લાડુ વાંદરાઓને મારવા માટે બનાવવામાં આવ્યા હતા. ૧૩ એપ્રિલની આ ઘટનામાં શ્રવણ નામના ભાઈનો ચાર વર્ષનો દીકરો અશ્વિની નંદન ઝેરી લાડુ ખાવાથી મૃત્યુ પામ્યો હતો. વાત એમ હતી કે અશ્વિની નંદન તેની બે બહેનો સાથે ઘરની બહાર રમી રહ્યો હતો. તેને ઘરની એક પાળી પાસે લાડુ પડેલા જોવા મળ્યા. રમતાં-રમતાં થાકેલાં બાળકોએ એ લાડુ લઈને ખાવાનું શરૂ કર્યું. બે મોટી દીકરીઓને લાડુમાં કંઈક ગરબડ લાગી એટલે તેમણે થોડોક ભાગ ખાઈને લાડુ ફેંકી દીધો, પણ ચાર વર્ષના ભૂલકાને ખબર ન પડી. લાડુ ખાધા પછી ત્રણેય બાળકોની તબિયત બગડી ગઈ. પેરન્ટ્સ તરત જ સંતાનોને લઈને હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન દીકરીઓ બચી ગઈ, પરંતુ દીકરાનો જીવ બચી શક્યો નહોતો.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ગ્રામપંચાયતના કર્મચારીઓએ વાંદરાઓને મારવા માટે ઝેરી લાડુ ગામમાં ઠેર-ઠેર એમ જ મૂક્યા હતા. પંચાયતના આ બેજવાબદારીભર્યા પગલાને કારણે માસૂમ બાળકનો જીવ ગયો હતો.