મસ્તીખોર મિત્રોએ નવદંપતીના હાથમાં ચિલ્લર પકડાવ્યું અને પગે પણ લાગ્યા

05 August, 2021 10:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વિડિયો માટે એક યુઝરની કમેન્ટ છે ‘પાગલપંતી’

નવદંપતી

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર નવદંપતી, વરરાજા કે કન્યા-વહુરાણીને સંબંધિત અનેક પ્રકારના વિડિયો અને તસવીરો વાઇરલ-લોકપ્રિય થયા. ક્યાંક નવોઢા કિલોબંધ વજનનો લેહંગા પહેરીને બેઠી હોય, ક્યાંક તે વરરાજા જોડે કબડ્ડી રમતી હોય, ક્યાંક મંડપમાં જતાં પહેલાં કસરત-પુશઅપ્સ કરતી હોય અને ક્યાંક વરસાદમાં પાણી ભરાતાં વરરાજા અને જાનૈયા પૅન્ટ હાથમાં પકડીને ચાલતા જતા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક લગ્નનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે. એમાં વેડિંગ રિસેપ્શનમાં વર-કન્યાના મિત્રવર્તુળની મસ્તીખોર પ્રવૃત્તિ જોવા મળે છે. એમાં નવદંપતી સ્ટેજ પર બેઠું છે અને મિત્રો વારાફરતી તેમની પાસે આવે છે, તેમના હાથમાં છુટ્ટા સિક્કા મૂકે છે અને પછી બન્નેને પગે લાગીને જતા રહે છે. આવું બે-ચાર જણે નહોતું કર્યું... વારાફરતી એક પછી એક ઘણા ફ્રેન્ડ્સે તેમની આવી મજાક કરીને મંડપમાં અને એની આસપાસ રમૂજી વાતાવરણ ફેલાવી દીધું હતું. ‘હાઉસ ઑફ બ્રાઇડ’ નામના પેજ પર આ વિડિયો માટે એક યુઝરની કમેન્ટ છે ‘પાગલપંતી’. વિડિયોના બૅકગ્રાઉન્ડમાં હિમેશ રેશમિયાનું સૉન્ગ ‘હમ પાગલ નહીં હૈ’ સંભળાતું હતું.

offbeat news national news viral videos