17 April, 2026 01:12 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent
ફાતુ મૂળે આફ્રિકાનાં જંગલોમાં જન્મી હતી
જર્મનીના બર્લિનના પ્રાણીસંગ્રહાલયમાં ફાતુ નામની એક ગોરીલા છે. તાજેતરમાં એણે ૬૯ વર્ષ પૂરાં કર્યાં અને દુનિયાની સૌથી ઉંમરની ગોરીલાનો ખિતાબ એણે પોતાના અંકે કરી લીધો. ફાતુની બર્થ-ડે પાર્ટી ઝૂમાં બહુ ધામધૂમથી મનાવવામાં આવી હતી. એના માટે શુગર-ફ્રી કેક અને હેલ્ધી થાળી સજાવવામાં આવી હતી. ચેરી ટમાટર, લાલ બીટ, લીક, તાજાં લેટસનાં પાન જેવાં ગ્રીન લીફી વેજિટેબલ્સની ટોકરીને કેકની જેમ સજાવીને એને આપવામાં આવી હતી.
ફાતુ મૂળે આફ્રિકાનાં જંગલોમાં જન્મી હતી. ફ્રાન્સનો એક નાવિક એને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાંથી ઉઠાવી લાવ્યો હતો. જોકે એક વાર તેની પાસે પૈસા નહોતા અને તેણે બારમાં સારુંએવું ઢીંચી લીધું હતું. એવા સમયે પૈસા ન હોવાથી એના બદલામાં તેણે આ ‘ફાતુ’ ગોરીલા માલિકને આપી દીધી હતી. બારમાં આવેલા કેટલાક વેપારીઓના માધ્યમથી ફાતુ ૧૯૫૯માં બર્લિન પહોંચી હતી અને ત્યારથી તે ઝૂની શાન બની ગઈ છે. તેનો સાચો બર્થ-ડે તો નથી ખબર, પરંતુ ઝૂમાં તે ૧૩ એપ્રિલે આવી હોવાથી એનો જન્મદિવસ એ તારીખે મનાવાય છે. ઉંમરને કારણે હવે ફાતુના દાંત પડી ગયા છે, ઓછું સંભળાય છે અને આર્થ્રાઇટિસની પણ તકલીફ છે.