આ છે સાચા મોદી-ભક્તો

18 September, 2021 08:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અનાજના દાણાનો ઉપયોગ કરીને બનાવ્યું મોદીનું ૮ ફુટ લાંબું પોર્ટ્રેટ; આ ભાઈએ બલ્બ પર નમોકાર મંત્ર કોતર્યો

પ્રિયંકા સાહની, વિમલચંદ્ર જૈન

અનાજના દાણાનો ઉપયોગ કરીને બનાવ્યું મોદીનું ૮ ફુટ લાંબું પોર્ટ્રેટ

ઓડિશાના ભુવનેશ્વરની મિનિએચર આર્ટિસ્ટ પ્રિયંકા સાહનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસ નિમિત્તે અનાજનો ઉપયોગ કરીને ૮ ફુટ લાંબું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ પોર્ટ્રેટ તૈયાર કરવા માટે પ્રિયંકા સાહનીએ ઓડિશાની પરંપરાગત પત્રચિત્ર કલા ડિઝાઇનનો  ઉપયોગ કર્યો છે. ઓડિશાના લોકો તરફથી વડા પ્રધાનને તેમના ૭૧મા જન્મદિવસે સન્માનિત કરવાની એક ચેષ્ટા છે. પ્રિયંકા સાહનીએ વડા પ્રધાનના હૃદયમાં ભારત વસે છે એની પ્રતીતિ કરાવતાં તેમના હૃદય પાસે ભારતનો નકશો દોર્યો છે.

પ્રિયંકા સાહનીએ આ પોર્ટ્રેટ તૈયાર કરવા માટે ચોખા અને અન્ય પાંચથી ૬ પ્રકારનાં અનાજનો ઉપયોગ કર્યો હતો. મિનિએચર આર્ટિસ્ટ હોવાને કારણે પ્રિયંકા સાહનીને પોર્ટ્રેટ તૈયાર કરવામાં ઘણી મહેનત પડી હતી. તેને પોર્ટ્રેટ તૈયાર કરવામાં પચીસ કલાક લાગ્યા હતા.

 

આ ભાઈએ બલ્બ પર નમોકાર મંત્ર કોતર્યો

ગ્વાલિયરમાં રહેતા ૭૦ વર્ષના બલ્બ-આર્ટિસ્ટ વિમલચંદ્ર જૈને લગભગ બેથી ત્રણ કલાકની જહેમત બાદ હથોડી-છીણીની મદદથી ઇલેક્ટ્રિક બલ્બ પર નમોકાર મંત્ર કોતર્યો હતો. આ કલા તેઓ છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી કરી રહ્યા છે. હકીકતમાં તેમના પરિવારનો વાસણો પર નામ કોતરવાનો વ્યવસાય હતો. વિમલચંદ્ર જૈન તેમના કાકાને વાસણ પર નામ કોતરતા જોઈ રહેતા હતા અને એમ કરીને તેઓ નામ કોતરવાનો હુન્નર શીખ્યા હતા.

વાસણો પર નામ કોતરવાનું શીખ્યા બાદ તેમણે મેડલ, શીલ્ડ અને ઘડિયાળ જેવી ગિફ્ટ આઇટમ્સ પર નામ કોતરવાની પ્રૅક્ટિસ કરી. મોબાઇલ ફોનના પ્લાસ્ટિક પાર્ટ્સ પર નામ કોતરવાની પ્રૅક્ટિસ કર્યા પછી તેમણે બલ્બ પર શબ્દો કોતરવાનું શરૂ કર્યું અને સમયાંતરે સફળતા પણ મેળવી હતી. શરૂઆતમાં તેમણે થોડા ઘણા શબ્દો લખવાની કોશશ કરી જોઈ જેમાં અનેક વેળા બલ્બ ફૂટી પણ ગયા હતા. જોકે પઝીથી હથોટી બેસી જતાં તેમણે બલ્બ પર નમોકાર મંત્ર લખવાની કોશિશ કરી અને એમાં સફળતા મેળવી હતી.

offbeat news national news narendra modi gwalior odisha