08 March, 2026 02:00 PM IST | China | Gujarati Mid-day Correspondent
બતક
ચીનના હુનાન પ્રાંતમાં બતકનો ઉછેર કરતા લિયુ નામના ખેડૂતને એક બતકે લખપતિ બનાવી દીધો કેમ કે એના પેટમાંથી ૧૦ ગ્રામ સોનું મળ્યું હતું. એની હાલની કિંમત લગભગ ૧.૬૫ લાખ રૂપિયા છે. લિયુ નામનો ખેડૂત એક બતકને કાપવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે બતકનું પેટ ચીર્યું ત્યારે એમાંથી મેટલના કડક ચમકતા કણો જોવા મળ્યા. લિયુને લાગ્યું કે આ કદાચ કોઈ મોંઘેરી ધાતુ હોઈ શકે છે. તેણે બતકના પેટમાંથી નાના-નાના સોના જેવા કણો અલગ તારવીને એને ગરમ કર્યા. આગમાં નાખતાં જ એ કણો સોનાની જેમ ચળકી ઊઠ્યા. તમામ કણોને એકઠા કરીને જ્યારે વજન કર્યું તો એ લગભગ ૧૦ ગ્રામ જેટલું થયું. એની કિંમત ૧૨,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૧.૬૫ લાખ રૂપિયા જેટલી અંકાઈ રહી છે. બતકના પેટમાંથી સોનું નીકળવાની ઘટના બાબતે હવે જાતજાતની અટકળો થઈ રહી છે. લિયુના પિતા આને શુભ સંકેત માને છે. ગામમાં બતકોને ખુલ્લામાં ઉછેરવામાં આવે છે એટલે નદીના કિનારે એ ઘૂમ્યા કરતાં હોય છે. આ ગામની નદી એક સમયે સોનાના કણો માટે જાણીતી હતી. જોકે પછી એમાંથી સોનું મળવાનું બંધ થઈ ગયું હતું. જોકે બતકો આ પાણી પીએ છે ત્યારે એમના શરીરમાં રહ્યુંસહ્યું સોનું પાણી સાથે પેટમાં જતું હોવું જોઈએ. બતક જો નદીકિનારાની માટી કે રેત ગળી જાય તો પણ એમાં રહેલા સોનાના કણો પેટમાં જમા થઈ રહે છે.