ChatGPTએ કહ્યું કે પતિનું અફેર હોઈ શકે છે એટલે મહિલાએ તલાક માગી લીધા

12 May, 2025 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AIના રિપોર્ટ પછી મહિલાએ ત્રણ જ દિવસમાં ડિવૉર્સની અરજી કરી નાખી હતી.

ગ્રીસની એ મહિલા આ રહી

પત્નીઓને પતિ પર શંકાઓ તો ઘણી હોય છે કે ક્યાંક પતિ બીજી કોઈ મહિલા સાથે તો અંતરંગ નહીં હોયને? આ શંકાને કારણે યુગલો એકબીજા પાછળ ડિટેક્ટિવ્સ હાયર કરે છે તો કેટલાક સોશ્યલ મીડિયા અને મોબાઇલની તપાસ કરીને જીવનસાથીના કોઈ સીક્રેટ સંબંધો છે કે નહીં એ તપાસે છે. જોકે ગ્રીસની એક મહિલાએ પતિ વફાદાર છે કે વ્યભિચારી એ તપાસવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પ્લૅટફૉર્મ ChatGPTનો સહારો લીધો. એ પ્લૅટફૉર્મે સંભાવના જતાવી કે તેનો પતિ સીક્રેટ સંબંધો ધરાવતો હોઈ શકે છે. આ સંભાવના કઈ રીતે નક્કી થઈ એ વાત પણ મજેદાર છે. ગ‍્રીસમાં ટ્રેડિશનલ કૉફીરીડિંગ એટલે કે તાસોગ્રાફી નામની પદ્ધતિ પ્રચલિત છે. એમાં યુગલ જે કપમાં કૉફી પીએ છે એની તસવીરો પરથી તેમના ભવિષ્ય અથવા તો સીક્રેટ્સની વાતો જાણી શકાય છે. ગ્રીસની આ મહિલાએ ChatGPTને પોતાની અને પતિની કૉફી કપ્સની તસવીરો મોકલી. જોકે AIએ જે રીડિંગ કર્યું એનાથી મહિલાના પગ તળેથી ધરતી સરકી ગઈ. AIએ કહ્યું કે તેનો પતિ E શબ્દથી શરૂ થતી કોઈ બીજી મહિલાના પ્રેમમાં છે અને એ સંબંધ તમારા પરિવારને નુકસાન કરી શકે છે. બસ, કૉફી કપના રીડિંગમાં વિશ્વાસઘાત અને પારિવારિક અસ્થિરતાના સંકેત મળતાં બહેને પતિથી છૂટા થવાનું મન બનાવી લીધું અને ડિવૉર્સ માટેનો કેસ ફાઇલ કરી દીધો. પત્નીનું કહેવું છે કે તેને પતિના વર્તનમાં છેલ્લા થોડાક સમયથી બદલાવ જણાતો હતો અને એ જ શકને કારણે તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. AIના રિપોર્ટ પછી મહિલાએ ત્રણ જ દિવસમાં ડિવૉર્સની અરજી કરી નાખી હતી.

પતિએ એક લોકલ ટીવી-શોમાં આ ઘટનાની વાત કરતાં કહ્યું હતું કે ‘મને પહેલાં તો આ મજાક લાગતી હતી, પરંતુ તેણે મને સાચે જ ઘર છોડવાનું કહી દીધું અને પછી મને વકીલનો ફોન આવ્યો. મારી પત્ની પહેલેથી જ જ્યોતિષ અને રહસ્યમય એનર્જીમાં ખૂબ માને છે. થોડા સમય પહેલાં જ્યોતિષીએ કહેલું કે મારી નોકરી જતી રહેશે અને અમારે વિદેશ જવું પડશે. જોકે એવું કંઈ થયું નહોતું. આ વાત સમજતાં તેને ખૂબ સમય લાગ્યો હતો.’

offbeat news social media india national news ai artificial intelligence