✕

તમને કોઈની સાથે ઝઘડો કરતાં શરમ આવે છે? તો આ ભાઈ ૨૬૮૦ રૂપિયામાં તમારા વતી ઝઘડી લેશે

28 October, 2026 05:35 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જ્યાં સુધી ગ્રાહકની સમસ્યાનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી તે મેદાન છોડતો નથી.

ચીનના ગુઆંગઝોઉ શહેરમાં ભાડૂતી ઝઘડાખોર

તમને ખાવાનું બનાવતાં ન આવડતું હોય તો હવે તૈયાર ભોજન મળે છે, પરંતુ જેને પોતાના હક માટે લડવાનું ન આવડતું હોય કે ઝઘડો કરતાં શરમ આવતી હોય તો શું કરવાનું? હવે એનીયે ચિંતા કરવાની જરૂર નથી. તમારા વતી લડાઈ-ઝઘડો કરી લે એવો માણસ પણ હવે ભાડેથી મળી જશે. ચીનના ગુઆંગઝોઉ શહેરમાં ભાડૂતી ઝઘડાખોર કામ કરી રહ્યો છે. આ ભાઈ તમારા વતી ઝઘડો અને દલીલો કરવાની સર્વિસ પ્રોવાઇડ કરે છે. એ માટે તે ૨૬૮૦ રૂપિયાની ફી લે છે. પોતાની આ વિશિષ્ટ સર્વિસ માટે તેણે ગ્રાહકો માટે નિયમો પણ બનાવ્યા છે. તે સામેવાળી વ્યક્તિ સાથે કલાકો સુધી દલીલ કરી શકે છે. પેલો સામેવાળો માણસ થાકી ન જાય ત્યાં સુધી તે આર્ગ્યુમેન્ટ કરશે એની ગૅરન્ટી આપે છે. જ્યાં સુધી ગ્રાહકની સમસ્યાનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી તે મેદાન છોડતો નથી.
હવે સવાલ એ થાય કે આ ભાઈ તમારા વતી કઈ બાબતે લડશે? તો એમાં કોઈ જ બાધ નથી. તે નાના-મોટા તમામ વિવાદો પોતાના માથે લેવા તૈયાર છે. કોઈકનો અટકેલો પગાર કઢાવવો હોય, ખામીવાળી ચીજ મળ્યાનું રીફંડ મેળવવું હોય કે પછી દુકાનદાર સાથે ક્વૉલિટી માટે રકઝક કરવાની હોય, આ ભાઈ ગ્રાહકની જગ્યાએ તમામ દલીલો કરવાનું પોતાના માથે લે છે. આ ભાઈનું કહેવું છે કે સમાજમાં ઘણા લોકો એવા હોય છે જેઓ સંકોચશીલ સ્વભાવના કારણે પોતાના હકની વાત પણ સામે ચાલીને કહી શકતા નથી અને અન્યાય સહન કરી લે છે. આવા લોકો માટે આ સર્વિસ ઘણી ઉપયોગી છે. 

offbeat news china beijing international news social media