04 July, 2025 01:43 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
તલોદ ગામના નવા ચૂંટાયેલા બાવન વર્ષના સરપંચ નીલ દેસાઈ ૨૬ વાર બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થવા છતાં ઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડૉક્ટરેટ
ગુજરાતના નવસારી જિલ્લાના તલોદ ગામના નવા ચૂંટાયેલા બાવન વર્ષના સરપંચ નીલ દેસાઈ ૨૬ વાર બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થવા છતાં ઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડૉક્ટરેટ થયેલા છે. કોઈ રાજનૈતિક બૅકગ્રાઉન્ડ ન હોવા છતાં તેઓ ગામની સરપંચની ચૂંટણીમાં ઊભા રહેલા અને ૮૮ ટકા મતો સાથે ચૂંટણી જીતી ગયા હતા. સરપંચ બન્યા પછી પણ હજી તેઓ આવતા વર્ષે ૨૭મી વાર બારમાની પરીક્ષા આપવાના છે. જોકે નવાઈ લાગી શકે કે PhD થયેલી વ્યક્તિ બારમું પાસ નથી? તો એની પાછળ અસલી વાત શું છે એ સમજાવતાં નીલ દેસાઈ કહે છે, ‘મેં ૧૯૮૯માં દસમા ધોરણની પરીક્ષા પાસ કરેલી અને એન્જિનિયર બનવા માટે સાયન્સ સ્ટ્રીમ લીધી. ૧૯૯૧માં બારમાની પરીક્ષા આપી, પણ નપાસ થયો. બીજા વર્ષે પરીક્ષા આપી તોય નાપાસ થયો એટલે દસમા ધોરણના પાસિંગ પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો. ૧૯૯૬માં ડિપ્લોમા થઈ ગયો અને મેં ઇલેક્ટ્રિકલનો ધંધો શરૂ કરી દીધો. એ ધંધાની સાથે મેં બારમાની પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું. ૨૦૦૫માં રાજ્ય સરકારે ડિપ્લોમાધારકોને ડિગ્રી કોર્સ કરવાની અનુમતિ આપતાં મેં વીર નર્મદ સાઉથ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં ગ્રૅજ્યુએશન અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું.’
પોસ્ટ-ગ્રૅજ્યુએશન પછી ૨૦૧૮માં ઉકા-તરસાડિયા વિશ્વવિદ્યાલયમાંથી PhD કરવાનો માર્ગ મોકળો થયો. વિભિન્ન ક્ષારોનું સ્ટીલમાં ક્ષરણ થતું રોકવા માટેના ગ્રીન ઇન્હિબિટર્સ પર નીલ દેસાઈએ સંશોધન પેપર રજૂ કર્યું હતું અને ડૉક્ટરેટની પદવી હાંસલ કરી. છેલ્લા ત્રણ દાયકાથી નીલ દેસાઈ સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરતા રહ્યા છે. તેમણે પોતાના ગામની આસપાસ સાત મિયાવાકી જંગલો વિકસાવ્યાં અને ગામના ૧૫૦ વર્ષ જૂના કૂવાનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. નવસારી જિલ્લામાં જળસંચયની પહેલ કરવાના ભાગરૂપે અન્ય કૂવાઓને રીચાર્જ કરવાની પણ કામગીરી હાથ લીધી છે. નીલ દેસાઈનું કહેવું છે કે હજીયે હું બારમી પાસ નથી એટલે આવતા વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા છે.