18 September, 2026 03:40 PM IST | Surendranagar | Gujarati Mid-day Correspondent
તરણેતરના મેળામાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ઝાપટી લીધા લાડુસમ્રાટે
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થતા પ્રસિદ્ધ તરણેતરના મેળામાં એક અનોખી લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. ઝાલાવાડ સમાજની લોકસંસ્કૃતિ સાથે સંકળાયેલી ગ્રામીણ ઑલિમ્પિક્સ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજાય છે. આ અનોખી સ્પર્ધામાં ઝટપટ લાડુ આરોગતા લોકોને જોવા માટે પણ બહુ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે. આ સ્પર્ધામાં પચીસથી ૭૫ વર્ષના લોકોએ ભાગ લીધો હતો. એમાં ૩૦ મિનિટની અંદર મૅક્સિમમ લાડુ ખાવાનો પડકાર હતો. લાડુની સાથે દાળ પીરસવામાં આવે છે જેથી એકલો લાડુ ગળામાં કોરો ન લાગે. આ સ્પર્ધામાં લાડુ ખાવાની સ્પીડની સાથે-સાથે વધુ સંખ્યામાં લાડુ ખવાય એ પણ મહત્ત્વનું છે. સ્પર્ધામાં પહેલી ૧૫ મિનિટમાં ઘણાખરા સ્પર્ધકો ૧૫ લાડુ ઝાપટી ગયા હતા. જોકે એ પછી ટપોટપ વિકેટો પડવા લાગી. છેક ૩૦મી મિનિટ ચાલી રહી હતી ત્યારે ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી નામના ભાઈ એકમાત્ર બચ્યા હતા જેમના ગળે અઠ્ઠાવીસમો લાડુ ઊતરી રહ્યો હતો. ગયા વર્ષે પણ સૌથી વધુ લાડુ ખાવાનો લાડુસમ્રાટનો ખિતાબ પણ બળવંતભાઈના ફાળે જ ગયો હતો. તેમને ૨૦૦૦ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ મળ્યું હતું.