25 August, 2026 04:26 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
કેરલમના ગુરુવાયુર મંદિરે તોડ્યો સૌથી વધુ લગ્નનો પોતાનો જ રેકૉર્ડ
કેરલમના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિરમાં રવિવારે માત્ર ૭ કલાકની અંદર રેકૉર્ડબ્રેક સંખ્યામાં લગ્નો થયાં. જેમ આપણે ત્યાં અખાત્રીજ લગ્નો માટે બહુ પવિત્ર ગણાય છે એમ અહીં મલયાલમ મહિનો ચિંગમ લગ્નો માટે શુભ મનાય છે. ચિંગમ મહિનાના પહેલા રવિવારે આવતા એક ખાસ શુભ મુરતમાં સેંકડો યુગલોનાં લગ્ન થયાં હતાં. જોકે ગુરુવાયુર મંદિર માટે આ કોઈ પહેલી વારની ઇવેન્ટ નહોતી.
આ પહેલાં ૨૦૨૪ની ૮ સપ્ટેમ્બરે ચિંગમ મહિનાના પહેલા રવિવારે ૩૩૪ લગ્નો કરાવવાનો રેકૉર્ડ ઑલરેડી નોંધાયેલો છે. જોકે આ વખતે ૩૩૪ના આંકડાને પણ પાર કરી જવાયો હતો. મંદિરમાં લગ્ન માટે ૬ મંડપ અને લગ્નવેદીઓ બનાવવામાં આવ્યાં હતાં. અહીં દર કલાકે ૬૦ યુગલોનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ લગ્ન રેકૉર્ડબ્રેક ઝડપે પૂરાં થાય એ માટે મંડપની આસપાસ લોકોની ભીડ ન થાય અને લગાતાર સતત લગ્નવેદી પર યુગલોની વિધિ નિરંતર ચાલતી રહે એ માટે જડબેસલાક મૅનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. ભીડને કારણે કોઈ અફરાતફરી ન મચે એ માટે મંડપમાં જ ૧૦૦થી વધુ પોલીસો તહેનાત કરવામાં આવ્યા હતા.
સવારે ૪.૧૦ વાગ્યે લગ્નની વિધિનો સિલસિલો શરૂ થયો હતો જે બપોરે ૧૨.૪૫ સુધી ચાલતો રહ્યો હતો. આ વચ્ચે માત્ર ઉષાપૂજા અને પંથીરાડી પૂજાના સમયે મંદિરનાં કપાટ બંધ રહ્યાં હતાં અને થોડા જ સમયનો વિરામ લેવામાં આવ્યો હતો. આ ઇવેન્ટનું આયોજન કોઈ મેગા સમૂહલગ્ન કરતાંય વધુ સારી રીતે કરવામાં આવ્યું હતું.