સૅનિટાઇઝરની બૉટલ પર લગ્નની કંકોતરી

22 June, 2021 09:32 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતી પુત્રીના વિવાહ માટે સૅનિટાઇઝરની બૉટલ પર નિમંત્રણ-પત્રિકા છપાવડાવી છે

લગ્નની કંકોતરી

કોરોનાકાળ માણસને ઘણું બધું શીખવી રહ્યો છે. કેટલાક લોકો કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવામાં જરાય નથી માનતા અને કેટલાક લોકો પાયાના નિયમોથી પણ વિશેષ કંઈક કરીને સમાજ માટે ઉદાહરણ બનવામાં માનતા હોય છે. આવું કરીને તેઓ લોકોને હકારાત્મક સંદેશ આપી દેતા હોય છે.

હરિયાણાના ફરીદાબાદથી મળેલા એક અહેવાલ મુજબ બલ્લભગઢના મેઇન બાઝાર વિસ્તારમાં રહેતા પવન વર્મા નામના સુશિક્ષિત અને વ્યવસાયે ઝવેરી-પિતાની પ્રિયંકા વર્મા નામની એન્જિનિયર-પુત્રીનાં લગ્ન આગામી પહેલી જુલાઈએ દિલ્હીમાં રહેતા સંજીવકુમાર સાથે નિર્ધાર્યાં છે. તમને કદાચ થતું હશે કે લગ્ન તો બધાનાં થતાં હોય, આમાં નવું શું છે? જવાબ એ છે કે પવન વર્માએ બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરતી પુત્રીના વિવાહ માટે સૅનિટાઇઝરની બૉટલ પર નિમંત્રણ-પત્રિકા છપાવડાવી છે. આમાં લગ્ન સંબંધિત તમામ પ્રકારની વિગતો છે. યજમાન તરફથી સંભવિત મહેમાનોને આ પત્રિકા સાથે મીઠાઈનું બૉક્સ અને માસ્ક પણ મોકલવામાં આવી રહ્યાં છે. બૉટલ-પત્રિકા પર ‘દો ગઝ કી દૂરી, માસ્ક હૈ ઝરુરી’ જેવા સ્લોગન પણ લખાયાં છે. પવન વર્માએ સૅનિટાઇઝરની અનેક નવી બૉટલ ભેગી કરીને એના પર સંબંધીઓ-મિત્રોને પત્રિકા છપાવીને મોકલી છે. અગાઉ પ્રિયંકા-સંજીવનાં લગ્ન ૧૭મી જૂને ગોઠવાયાં હતાં, પરંતુ બન્નેના પરિવારના કેટલાક લોકો કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થતાં વિવાહ પહેલી જુલાઈ પર મોકૂફ રખાયા છે.

offbeat news national news haryana