✕

હરિયાણાનો આ ગૅન્ગસ્ટર લગ્ન કરવા માટે માત્ર ૧૨ કલાકના પરોલ પર જેલમાંથી બહાર આવ્યો

25 September, 2026 12:47 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

હરિયાણાનો આ ગૅન્ગસ્ટર લગ્ન કરવા માટે માત્ર ૧૨ કલાકના પરોલ પર જેલમાંથી બહાર આવ્યો, કંબોડિયાથી ૪ સંતાનો સાથે દુલ્હન પરણવા આવી

હરિયાણા ગૅન્ગસ્ટર

હરિયાણાના ઝજ્જરનો રીઢો ગૅન્ગસ્ટર મૈનપાલ ઢિલ્લા હાલમાં જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. તાજેતરમાં મૅનપાલ લગ્ન કરવા માટે પરોલ પર છૂટ્યો હતો. પચાસ વર્ષનો મૈનપાલ ગઈ કાલે માત્ર ૧૨ કલાક માટે જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. તેને સવારે ૮ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી જેલની બહાર રહેવાની પરવાનગી કોર્ટે આપી હતી. ઝજ્જર-ગુરુગ્રામ રોડ પર આવેલા દુલિના ફાર્મમાં તેનાં લગ્ન થયાં હતાં. 
મૈનપાલ પર મર્ડર અને મર્ડરના પ્રયાસ સહિત ચોરી, લૂંટફાટના કુલ બાવીસ ક્રિમિનલ કૅસ છે. હરિયાણાના બાદલી ગામના મૈનપાલને ૨૦૧૮માં હિસાર સેન્ટ્રલ જેલમાંથી ૬ વીકના જામીન પર છોડવામાં આવ્યો હતો, પણ જામીન પૂરા થયા પછી પણ તે જેલમાં પાછો આવ્યો નહોતો. ઊલટાનું ૨૦૧૯માં તે નકલી દસ્તાવેજો બનાવીને કંબોડિયા પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાનો બિઝનેસ સેટ કરીને ઘર વસાવી દીધું હતું. મેટા ચૅન નામની સ્થાનિક મહિલા સાથે તેણે પરિવાર પણ શરૂ કરી દીધો હતો. જોકે ૨૦૨૪માં ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ ઇશ્યુ થતાં કંબોડિયન ઑથોરિટીએ મૈનપાલને ૨૦૨૫માં અરેસ્ટ કરીને ભારતને સોંપી દીધો હતો. ત્યારથી તે જેલમાં જ છે. તેને આજીવન જેલની સજા છે એટલે તેણે પોતાની કંબોડિયાની પત્ની સાથે હિન્દુ ધર્મ વિધિથી લગ્ન કરવા માટે પરોલ માગ્યા હતા. તેના પહેલાનાં ભાગી જવાના રેકૉર્ડને કારણે આ વખતે તેને પોલીસ-કસ્ટડી સાથેના ૧૨ કલાકના જામીન આપવામાં આવ્યા હતા. 
આમ તો ગૅન્ગસ્ટરને તેની કંબોડિયન પત્નીથી ૩ સંતાનો છે એવા અહેવાલો હતા, પરંતુ મેટા ચૅન જ્યારે પરણવા માટે ગઈ કાલે ઝજ્જર પહોંચી ત્યારે તેની સાથે ૪ સંતાનો હતાં એને કારણે કુતૂહલ સરજાયું હતું. 

haryana chandigarh news offbeat news hatke news