રોડ પર કબજો કર્યા વિના જ રોડની ઉપર ઘર બનાવી દીધું

09 July, 2025 05:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધારો કે આ સાચું હોય તો પણ ભારતમાં કાનૂની રીતે તો એ ખોટું જ કહેવાય. કોઈ પણ મકાન જાહેર રોડ, ગલી પર બનાવવામાં આવે તો એ કાનૂની અપરાધ છે, પ્રશાસને આ બાબતે કોઈ પગલાં કેમ નથી લીધાં?

રોડની ઉપર ઘર બનાવી દીધું

થોડા દિવસ પહેલાં ત્રણ ફુટ પહોળું સૌથી સાંકડું ઘર સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું એ પછી હવે નવું મકાન ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ મકાન રોડની વચ્ચોવચ બન્યું છે અને છતાં કોઈને નડતું નથી. રોડની બેઉ તરફ પિલર બનાવવામાં આવ્યા છે અને એ પિલર પર આખેઆખું બે માળનું મકાન ચણાઈ રહ્યું છે. રસ્તામાં બે પિલર પર હવામાં લટકતું મકાન બની રહ્યું છે એ જોઈને મોટા ભાગના લોકોને એ વાત માનવામાં નથી આવી રહી. હકીકતમાં આ ઘર છે કે જસ્ટ એ કોઈકની પરિકલ્પનામાં ફોટોશૉપ થયેલી વાસ્તવિકતા છે એની ખબર નથી. જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો આવું ઘર અસલમાં પોતે જોયું છે એવો દાવો કરી રહ્યા છે. ઘરની બાજુમાં એક મસ્જિદ છે અને ડાયરેક્ટ મસ્જિદમાંથી પહેલા માળે જઈ શકાય એવી સીડી છે. કોઈકે દાવો કર્યો છે કે આ ઘર હરિયાણાના નૂંહ પાસે આવેલા પેમાખેડા ગામમાં છે. સરફુદ્દીન નામના માણસની આ જમીન છે. રોડની બેઉ તરફની જમીન તેની જ છે એટલે તેણે આવું કર્યું છે. ધારો કે આ સાચું હોય તો પણ ભારતમાં કાનૂની રીતે તો એ ખોટું જ કહેવાય. કોઈ પણ મકાન જાહેર રોડ, ગલી પર બનાવવામાં આવે તો એ કાનૂની અપરાધ છે, પ્રશાસને આ બાબતે કોઈ પગલાં કેમ નથી લીધાં?

offbeat news viral videos real estate national news social media