06 June, 2026 11:58 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
જન્મદિવસની ઉજવણી માટે મોંઘી રેસ્ટોરાં અને કૅફેનો ક્રેઝ છોડીને હૈદરાબાદના યુવાનોએ રોડના ડિવાઇડરને પાર્ટી-સ્પૉટ બનાવી દીધું છે. ખાસ કરીને હૈદરાબાદના ખજાગુડા લેક રોડ પર રાત થતાં જ યુવાનોનાં ધાડાં આવી જાય છે. અનેક ગ્રુપ્સ રાતના બાર વાગ્યાના ટકોરે અહીં જન્મદિવસ ઊજવવા આવે છે. આ ડિવાઇડર થોડોક પહોળો છે અને અહીં થોડા-થોડા અંતરે મોટા પથ્થર પણ ગોઠવવામાં આવ્યા છે. બે-ચાર યુવાનોથી માંડીને પંદર-વીસ યુવાનોનાં ગ્રુપ્સ અહીં રાતના સમયે આવે, પથ્થર પર કેક ગોઠવીને ત્યાં જ કેક-કટિંગ કરે અને ત્યાં જ સેલિબ્રેશન કરે. કોઈક વળી ફટાકડા લઈ આવ્યું હોય તો એ પણ ફૂટે. ક્યારેક તો દસ-બાર ગ્રુપમાં લોકોનો સહિયારો બર્થ-ડે ઊજવાતો હોય એવાં દૃશ્યો પણ સર્જાય છે. આ રોડ પર જન્મદિવસની ઉજવણીના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થવાથી હવે તો આ રોડનું હુલામણું નામ જ પડી ગયું છે ‘બર્થ-ડે રોડ’.
આ ટ્રેન્ડ આજકાલ વેગ પકડી રહ્યો છે. અહીં છેલ્લાં બે-ત્રણ વર્ષથી એકલદોકલ લોકો જન્મદિવસની ઉજવણી કરવા આવતા હતા. હવે આ ટ્રેન્ડમાં યુવાનો અને જેન-ઝી જોડાતાં એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.