19 August, 2026 04:41 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં લોકો પૈસા ચૂકવીને વાવાઝોડાનો અનુભવ કરવા જાય છે
વિશાળ દરિયાકિનારો ધરાવતા દેશોમાં ટાઇફૂન્સની કોઈ નવાઈ નથી. ચીનમાં તો વર્ષમાં ઓછામાં ઓછી ૪ વાર તીવ્રથી અતિતીવ્ર ગ્રેડના વાવાઝોડા આવે છે. અહીં ૧૧૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાતાં પવનનો સામનો અનેક વિસ્તારોમાં વારંવાર થાય છે. એમ છતાં અહીં એક ખાસ જગ્યા બની છે જ્યાં લોકો કૃત્રિમ વાવાઝોડાનો અનુભવ લેવા જાય છે. હાંગઝોઉ શહેરમાં આ માટે ખાસ ટાઇફૂન સેન્ટર બન્યું છે. અહીં અલગ-અલગ સેક્શન્સ છે જેમાં ભારે પવન, ભારે પાણીનો ધસારો અને આજુબાજુમાંથી ચીજો પડતી હોય એવો માહોલ ક્રીએટ કરવામાં આવ્યો છે. તમે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ફસાઈ ગયા હો અને વાવાઝોડાને કારણે પવન અને પાણીનો ધસારો થાય તો કેવી હાલત થાય? એવું જ કંઈક અહીં પણ અનુભવવા મળે છે. આ માટે લોકો માથે હેલ્મેટ અને અન્ય સેફ્ટી-ગિઅર્સ પહેરીને આવે છે. આજુબાજુમાં કઈ ચીજો પકડીને બચી શકાય એમ છે એનું ગાઇડન્સ પહેલેથી જ તેમને આપવામાં આવે છે. એ પછી વાવાઝોડા જેવી જ સ્થિતિ કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવે છે અને એમાં લોકો બચવાનો પ્રયાસ કરે છે. અહીં તેમને બચાવવા માટે રેસ્ક્યુ-ટીમ પણ હોય છે, પરંતુ પહેલાં લોકોને એનો પૂરો અનુભવ થાય એ પછી જ રેસ્ક્યુ-ટીમ પોતાનું કામ આરંભે છે. ફ્લૅશ ફ્લડની જેમ પાણી આવતું ધસમસતું આવે ત્યારે શું કરવું એનો અનુભવ અહીં મળે છે. આ માટે લગભગ ૧૨,૦૦૦ રૂપિયાની એન્ટ્રી-ફી હોય છે. લગભગ બે વર્ષ પહેલાં આ સેન્ટર ખૂલ્યું છે અને લગભગ ૧.૬ લાખથી વધુ લોકો એની મુલાકાત લઈ ચૂક્યા છે.