બાલીની હોટેલમાંથી સામાન ઉઠાવીને ભાગતા ભારતીય પ્રવાસીઓ પકડાઈ ગયા

23 April, 2026 12:01 PM IST  |  Denpasar | Gujarati Mid-day Correspondent

બાલીની હોટેલમાંથી ટુવાલ અને ચંપલ જ નહીં; ડૉર્મેટ, વાસણો, હેરડ્રાયર પણ ઉઠાવીને ભાગતા ભારતીય પ્રવાસીઓ પકડાઈ ગયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઇન્ડોનેશિયાના બાલીમાં એક રિસૉર્ટમાં રોકાયેલા કેટલાક ભારતીય ટૂરિસ્ટોએ ભારતનું નામ બોળ્યું હતું. તેઓ રૂમ ખાલી કરીને નીકળ્યા એ વખતે તેમની બૅગમાંથી હોટેલનો એટલો બધો સામાન નીકળ્યો કે દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જાય. એમાં ટુવાલ, બાથરૉબ, ચમચી, વાસણ, ટીવીનું રિમોટ, હેરડ્રાયર અને પગલુછણિયાં સુધ્ધાં નીકળ્યાં હતાં. આ પર્યટકો ૧૬થી ૧૯ એપ્રિલ દરમ્યાન રિસૉર્ટમાં રોકાયા હતા અને જ્યારે તેઓ ચેકઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમની રૂમમાંથી સ્ટાફને ઘણોબધો સામાન ગાયબ લાગ્યો.

રિસૉર્ટના મૅનેજમેન્ટે કારમાં સામાન ઠૂંસીને ભરી રહેલા પ્રવાસીઓની બૅગો બાકાયદા ખોલાવી તો એમાંથી હોટેલની રૂમની અઢળક ચીજો મળી. રિસૉર્ટ મૅનેજમેન્ટે આ ટૂરિસ્ટો સામે કોઈ કેસ કર્યો નથી. તેમનો સામાન પાછો લઈને ટૂરિસ્ટોને એમ જ તેમણે જવા દીધા હતા. જોકે સોશ્યલ મીડિયા પર ઉકળાટ નીકળી રહ્યો છે. જે લોકો ઇન્ટરનૅશનલ ટ્રાવેલ કરવાનું અફૉર્ડ કરી શકે છે તેઓ પોતાનો ટુવાલ અને થાળી-ચમચી અફૉર્ડ નથી કરી શકતા?

india bali offbeat news international news news world news indonesia