28 November, 2025 01:35 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
મથુરામાં વાઇલ્ડલાઇફ એલિફન્ટ કન્ઝર્વેશન ઍન્ડ કૅર સેન્ટરની પાસે એક ગામની મહિલાઓ રંગબેરંગી જાયન્ટ પાયજામા અને સ્વેટર ગૂંથી રહી છે.
ભારતીયો જે કોઈ ચીજને પાળે એની સાથે ખૂબ તાદાત્મ્ય અનુભવવા લાગે છે. શિયાળામાં ભગવાનની મૂર્તિ માટે પણ ભાવથી સ્વેટર ગૂંથતા ભક્તો જ્યાં હોય ત્યાં પ્રાણીઓને લાગતી ઠંડી માટે પણ જુગાડ કરતા પ્રાણીપ્રેમીઓ મળી જ આવે. આ વખતે પ્રાણીપ્રેમીઓને કડકડતી ઠંડીમાં હાથીભાઈની ચિંતા થઈ છે. મથુરામાં વાઇલ્ડલાઇફ એલિફન્ટ કન્ઝર્વેશન ઍન્ડ કૅર સેન્ટરની પાસે એક ગામની મહિલાઓ રંગબેરંગી જાયન્ટ પાયજામા અને સ્વેટર ગૂંથી રહી છે. આ ઊનનાં કપડાં કન્ઝર્વેશન સેન્ટરમાં રહેતા હાથીઓ માટે છે. કન્ઝર્વેશન સેન્ટરના સ્ટાફના કહેવાથી ગામની બહેનો ઊનના દડા લઈને જાતજાતના રંગબેરંગી પાયજામા અને સ્વેટર ગૂંથવા લાગી છે. અહીં એવા હાથીઓને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે જેમની ખૂબ મારપીટ થઈ હોય કે ભૂખ્યા રહેવાથી કમજોર પડી ગયા હોય. હાડ થિજાવતી ઠંડીમાં હાથીઓને ગરમાટો મળે એ માટે એમને પાયજામા પહેરાવાયા છે અને પીઠ પર ઊનની શાલ ઓઢાડવામાં આવે છે.