21 February, 2026 01:57 PM IST | Indo | Gujarati Mid-day Correspondent
બ્લુ ડ્રમની ગિટાર
ઉત્તર પ્રદેશની મુસ્કાને જે રીતે પતિને મારીને નીલા ડ્રમમાં દાટી દીધેલો એ પછીથી ભારતભરના પુરુષો નીલા ડ્રમની વાતે ચોંકી જતા જોવા મળ્યા હતા. હવે જ્યારે આ નીલા ડ્રમની વાતો ધીમે-ધીમે ભુલાઈ રહી છે ત્યારે એક કલાકારે ફરીથી નીલા ડ્રમને ચર્ચામાં લાવી મૂક્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતા દેશી જુગાડ કરનારા ઇન્ડોનેશિયાના કલાકારે પ્લાસ્ટિકના નીલા ડ્રમમાંથી ગિટાર બનાવી છે. તેણે ડ્રમની વચ્ચે ગિટાર માટેનું ગોળ કાણું પાડ્યું અને પછી એની સાથે લાકડીનું હૅન્ડલ ફિટ કરી દીધું. એ પછી સંગીતના સૂર વેરતા તારને ખૂબ કાળજીપૂર્વક લાકડી પર બાંધતાં જ એ ડ્રમ એક શાનદાર ગિટાર બની ગયું. આ બ્લુ ડ્રમ ગિટાર માત્ર દેખાવનું જ નથી. આ કલાકારે એને વગાડી પણ બતાવ્યું છે. આ જુગાડ ૨.૩ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈકે સાચી જ કમેન્ટ કરી છે કે સુવિધા ઝીરો પણ ટૅલન્ટ શત પ્રતિશત.