દીકરાની સર્જરી માટે આવેલા પપ્પા પર પણ ભૂલથી કાપો મુકાઈ ગયો

18 April, 2025 02:56 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

ઑપરેશન કરતાં પહેલાં સ્ટાન્ડર્ડ પ્રક્રિયા ફૉલો કરવામાં નહોતી આવી

જગદીશ

રાજસ્થાનના કોટાની મેડિકલ કૉલેજમાં ગયા અઠવાડિયે ડૉક્ટરોની લાપરવાહીની હદ થઈ ગઈ હતી.  દરદીની સાથોસાથ દરદીના પિતાની પણ સર્જરી શરૂ થઈ ગઈ હતી, પણ હજી વધુ મોડું થાય એ પહેલાં ગફલતની ખબર પડી જતાં પિતાની વધુ વાઢકાપ થતી અટકી ગઈ હતી. વાત એમ હતી કે ૧૨ એપ્રિલે હૉસ્પિટલમાં કાર્ડિયોથૉરેસિક અને વૅસ્ક્યુલર સર્જરી વિભાગમાં જગદીશ નામના દરદીના હાથમાં ડાયાલિસિસ માટેની ખાસ નળી બનાવવાની સર્જરી થવાની હતી. એ જ સમયે બીજા ઑપરેશન થિયેટરમાં મનીષ નામના એક દરદીનો ઍક્સિડન્ટ થયો હોવાથી તેના પગની સર્જરી થવાની હતી. દીકરા મનીષની સર્જરી માટે લઈ ગયા એ પછી તેના પિતા ઑપરેશન થિયેટરની બહારના વેઇટિંગ એરિયામાં બેઠા હતા. અચાનક અંદરનો સ્ટાફ આવ્યો અને અવાજ લગાવ્યો કે ‘જગદીશ કૌન હૈ?’ મનીષના પિતાનું નામ પણ જગદીશ હતું, પણ તેઓ ખાસ હાલીચાલી શકતા નહોતા. તેમણે માત્ર હાથ ઊંચો કર્યો. સ્ટાફને લાગ્યું કે આ જ પેશન્ટ છે એટલે તેમને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા. ડૉક્ટરોએ તેમને ઍનેસ્થેસિયા આપીને હાથમાં ડાયાલિસિસ માટેની કૅથેટર નાખવા કાપો મૂકી દીધો, પરંતુ એવામાં જે ડૉક્ટર મનીષની સર્જરી કરી રહ્યા હતા તે ત્યાં આવી પહોંચતાં ખબર પડી કે આ તો મનીષના પિતા છે. તરત જ એ ગરબડને રોકી દેવામાં આવી. જ્યાં કાપો લગાવ્યો હતો ત્યાં ટાંકા લઈ લીધા અને તેમને ઑપરેશન વિના જ બહાર લાવવામાં આવ્યા.

બીજી તરફ મનીષ સર્જરી પછી બહાર આવ્યો અને પોતાના પિતાને ત્યાં ન જોતાં તેણે પૂછપરછ કરી એ વખતે તેને ખબર પડી કે પિતાની તો ગંભીર પ્રકારની સર્જરી થવાની હતી. 
એ ઘટના પછી હૉસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. મેડિકલ કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. સંગીતા સક્સેનાએ કહ્યું હતું કે અમે ત્રણ સભ્યોની કમિટી બેસાડી છે અને બે દિવસમાં એનો રિપોર્ટ સોંપશે. તેમણે એ વાત સ્વીકારી હતી કે ઑપરેશન કરતાં પહેલાં સ્ટાન્ડર્ડ પ્રક્રિયા ફૉલો કરવામાં નહોતી આવી. 

rajasthan offbeat news india national news