અમદાવાદના ફ્લાવર શોનો ગુલદસ્તો બન્યો વર્લ્ડનો લાર્જેસ્ટ ફ્લાવર બુકે

08 January, 2025 02:51 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૧૦.૨૪ મીટર હાઇટ અને ૧૦.૮૪ મીટરની ત્રિજ્યાવાળો ફ્લાવર બુકે બનાવવામાં આવ્યો હતો; જેમાં ગુલાબ, યુટોનિયા, ગલગોટા સહિત ૨૩ પ્રકારનાં ફૂલોનો ઉપયોગ કરાયો છે.

અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં મૂકવામાં આવેલો વિશ્વનો સૌથી ઊંચો બુકે. (તસવીર: જનક પટેલ)

અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં મુકાયેલા વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લાર્જેસ્ટ ફ્લાવર બુકે (સાઇઝ) માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સ્થાન મળ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૧૦.૨૪ મીટર હાઇટ અને ૧૦.૮૪ મીટરની ત્રિજ્યાવાળો ફ્લાવર બુકે બનાવવામાં આવ્યો હતો; જેમાં ગુલાબ, યુટોનિયા, ગલગોટા સહિત ૨૩ પ્રકારનાં ફૂલોનો ઉપયોગ કરાયો છે. આ બુકે સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની ટીમ દ્વારા ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન સહિતના અધિકારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલને લાર્જેસ્ટ ફ્લાવર બુકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન તેમ જ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર જતીન પટેલને સર્ટિફિકેટ આપતા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સના પ્રતિનિધિ.

આ પહેલાં આ રેકૉર્ડ યુનાઇટેડ આરબ એમિરેટ્સની અલ-એઇન મ્યુનિસિપાલિટીનો હતો જેનો ગયા વર્ષે ૭.૭ મીટરના ફ્લાવર બુકે માટે રેકૉર્ડ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમદાવાદ ઇન્ટરનૅશનલ ફ્લાવર શોમાં બનાવેલી સૌથી લાંબી ફ્લાવર વૉલ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ થયો હતો.

ahmedabad guinness book of world records gujarat gujarat news news offbeat news