વિશ્વની પ્રખ્યાત જગ્યાઓ સાથે સ્કેચ આર્ટની કમાલ

05 May, 2026 12:14 PM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

પિએત્રો ભાઈની ખાસિયત એ છે કે તેઓ આ તસવીરોની સાથે મર્જ કરીને કંઈક અલગ જ કહાણી કહી શકાય એવા સ્કેચ દોરે છે

પિએત્રો કેટૉડેલા નામના આર્ટિસ્ટે પોતાના ટ્રાવેલિંગના શોખ અને સ્કેચ આર્ટનું અનોખું કૉમ્બિનેશન કરીને એક સિટીલાઇવ સ્કેચ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે

ઇટાલિયન આર્ટિસ્ટ પિએત્રો કેટૉડેલા નામના આર્ટિસ્ટે પોતાના ટ્રાવેલિંગના શોખ અને સ્કેચ આર્ટનું અનોખું કૉમ્બિનેશન કરીને એક સિટીલાઇવ સ્કેચ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સિસિલીમાં રહેતા આ ભાઈ યુરોપનાં ઘણાં શહેરોમાં એમ જ અલગારી રખડપટ્ટી કરતા રહે છે અને અહીંનાં આઇકૉનિક કહી શકાય એવાં મૉન્યુમેન્ટ્સ કે સ્થળોની તસવીરો લે છે. આ તો કોઈ પણ સામાન્ય ટૂરિસ્ટ કરે. પિએત્રો ભાઈની ખાસિયત એ છે કે તેઓ આ તસવીરોની સાથે મર્જ કરીને કંઈક અલગ જ કહાણી કહી શકાય એવા સ્કેચ દોરે છે. નાનકડા ફોટોની આસપાસમાં તેમણે દોરેલા સ્કેચને એ રીતે ગોઠવવામાં આવે છે કે જાણે સૂરજ આઇફલ ટાવર ગળી રહ્યો હોય. કપમાંથી ગરમાગરમ લાવા નીકળીને સૂરજમાં ભળે અને પછી ધરતી પર ટપકતો હોય એવો આભાસ થાય છે. તેમણે એક એવી સ્કેચબુક તૈયાર કરી છે જેમાં તેમણે વર્લ્ડ ફેમસ આર્કિટેક્ચરના કેટલાક ભાગની તસવીરને એમ જ રાખી હોય, પણ એને એક્સ્ટેન્ટ કરીને અથવા તો કોઈ ખાંચામાં હાથથી દોરેલું કલ્પનાચિત્ર એમાં મૂકીને આખા દૃશ્યની કલ્પના જ નોખી કરી નાખી છે. આ ઇટાલિયન આર્ટિસ્ટને આવા અનોખા સ્કેચ દોરવાનો ચસકો છેક ૨૦૧૪થી શરૂ થયો હતો. હવે તો તેમની આ આર્ટ જબરી ફેમસ થઈ ગઈ છે. તેઓ અસલી દૃશ્યો અને સ્કેચને એવી રીતે મેળવે છે કે થ્રી-ડાઇમેન્શનલ ઇલ્યુઝન ઊભું થાય છે. આ ક્રીએટિવ ફ્યુઝનને કારણે યુરોપનાં જાણીતાં મૉન્યુમેન્ટ્સને પણ અલગ નજરિયાથી જોવા મળે છે. 

italy offbeat news international news world news news social media