09 July, 2025 05:14 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
૭૧ વર્ષના તારાચંદ અગ્રવાલ
જયપુરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા ૭૧ વર્ષના તારાચંદ અગ્રવાલે તાજેતરમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પરીક્ષા પાસ કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત CAનો અભ્યાસ ખૂબ જ ચૅલૅન્જિંગ હોય છે, પરંતુ નિવૃત્ત તારાચંદ અગ્રવાલે ઢળતી ઉંમરે પણ દૃઢ ઇચ્છાશક્તિ સાથે આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. બૅન્કમાંથી રિટાયર થયા પછી તેમણે સાવ નવરા બેસી રહેવાને બદલે તેમના રસના વિષયને વધુ આગળ વધારવા માટે ભણવાનું ચાલુ કર્યું હતું. એમાં જ તેમને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો વિચાર આવ્યો અને તેમણે એમાં ઝંપલાવી દીધું. આ રવિવારે જાહેર થયેલા રિઝલ્ટમાં તારાચંદભાઈ હવે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની ગયા છે. હવે તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પ્રૅક્ટિસ કરવાની તૈયારીમાં છે.