ગાયના ગોબરમાંથી ગાડીઓ દોડી શકે એવું હાઇડ્રોજન ફ્યુઅલ તૈયાર કરે છે જપાન

04 April, 2025 06:59 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આ માટે ગોબર અને મૂત્રને ઍનારોબિક ડાઇજેસ્ટર મશીનમાં નાખવામાં આવે છે. એ મશીનમાં ઑલરેડી નાખવામાં આવેલા બૅક્ટેરિયાથી ગોબર ઝડપથી ડીકમ્પોસ્ટ થાય છે

જાપાન

જપાનના વૈજ્ઞાનિકો સમસ્યામાંથી તક ઊભી કરવામાં માહેર છે. એનું વધુ એક ઉદાહરણ છે ગોબરમાંથી ઈંધણ બનાવવાની ટેક્નૉલૉજી. જપાનના હાકાઇડો ટાપુ પર આવેલા એક ફાર્મમાં ગાય-ભેંસના ગોબરને કારણે પેદા થતા મિથેન ગૅસમાંથી હાઇડ્રોજન છૂટો પાડવાની ટેક્નૉલૉજીની ટ્રાયલ થઈ રહી છે. સસ્તન પ્રાણીઓનાં મળમૂત્ર અને વાછૂટને કારણે ગ્રીનહાઉસ ગૅસમાં ખૂબ વધારો થાય છે જે વાતાવરણને દૂષિત અને ગરમ કરે છે. આ જ સમસ્યાના ઉકેલરૂપે તેમણે પ્રાણીઓના વેસ્ટને એકત્ર કરીને એમાંથી ફ્યુઅલ તૈયાર કર્યું છે. ફ્યુઅલ તૈયાર કર્યા પછી જે કચરો બચે છે એને ખાતર તરીકે પણ વાપરી શકાય છે. જપાનના શિકાઓઈ શહેરમાં આનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંની ડેરી ઇન્ડસ્ટ્રી વર્ષે ૨૦ લાખ ટન ગોબર પેદા કરે છે. આ ગોબર હવે વેસ્ટ નહીં પણ ગ્રીન એનર્જીનો સૉર્સ બની ગયું છે. 

આ માટે ગોબર અને મૂત્રને ઍનારોબિક ડાઇજેસ્ટર મશીનમાં નાખવામાં આવે છે. એ મશીનમાં ઑલરેડી નાખવામાં આવેલા બૅક્ટેરિયાથી ગોબર ઝડપથી ડીકમ્પોસ્ટ થાય છે અને બાયોગૅસ પેદા કરે છે. આ બાયોગૅસને ખૂબ ઊંચા તાપમાને સ્ટીમ બનાવીને ઠારવામાં આવે છે જેમાંથી હાઇડ્રોજન ફૉર્મ અલગ પડે છે. આ હાઇડ્રોજન વાહનો માટે ઈંધણનું કામ કરે છે. હવે ફુકુઓકા શહેરમાં હ્યુમન મળમૂત્રમાંથી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા પર પ્રયોગો થઈ રહ્યા છે.

offbeat news japan international news world news environment