14 January, 2026 01:20 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીન અને જપાનમાં રોજબરોજના જીવનમાં એવી-એવી ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. હવે જૅપનીઝ કંપની જલવાયુ પરિવર્તન અને વીજળીની અછત દૂર કરવા માટે ચંદ્ર પરથી સોલર ઊર્જા તૈયાર કરીને પૃથ્વી પર લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીનું નામ છે શિમિઝુ. કંપનીનો દાવો છે કે તે ચંદ્રના ઇક્વેટર પર જ્યાં ૨૪ કલાક સૂર્યનાં કિરણો પડે છે એ ભાગમાં ૧૧,૦૦૦ કિલોમીટર લાંબી સોલર પૅનલ લગાવશે. આ પ્રોજેક્ટને લુનાર રિંગ નામ આપવામાં આવ્યું છે. આ એવો વિસ્તાર છે જે ૨૪ કલાક સૂર્યનાં કિરણો શોષીને પૃથ્વી પર વીજળી મોકલી શકે છે. ચંદ્ર પર આટલી મોટી સંખ્યામાં સોલર બેલ્ટ બનાવવા માટે કંપનીએ રોબો તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ સોલર બેલ્ટ લગભગ ૪૦૦ કિલોમીટર પહોળો છે અને સોલર પૅનલ માટેનો કાચો માલ પણ ચંદ્રની સપાટી પરથી જ લેવામાં આવશે. રોબો એ જમીનને સમથળ કરવાનું કામ કરીને સોલર પૅનલ લગાવશે. ૨૦૩૫ સુધીમાં સોલર પૅનલનું કન્સ્ટ્રક્શન શરૂ કરી દેવામાં આવશે. ચંદ્ર પરની સોલર ઊર્જા પૃથ્વી પર કઈ રીતે આવશે એની ટેક્નૉલૉજી પર પણ કામ શરૂ થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે ચંદ્ર પર સોલર પૅનલ દ્વારા જે વીજળી જનરેટ થાય એને માઇક્રોવેવ અથવા તો લેસર બીમ દ્વારા ધરતી પર મોકલવામાં આવશે અને એ તરંગોને પકડવા માટે ધરતી પર ખાસ સ્ટેશન્સ તૈયાર કરવામાં આવશે જે તરંગોને વીજળીમાં તબદીલ કરી દેશે. અત્યારે તો શેખચલ્લીના વિચાર જેવો લાગતો આ આઇડિયા ખરેખર જો અમલમાં મૂકી શકાય એવો બને તો પૃથ્વી પર વીજળીનો અમાપ સ્રોત તૈયાર થઈ જાય.