24 August, 2026 04:32 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
માની મમતાની છેલ્લી યાદ : માએ બનાવેલું છેલ્લું ભોજન પાંચ વર્ષ સુધી ફ્રીઝરમાં સાચવી રાખ્યું
મનુષ્ય પોતાના સ્વજનને ગુમાવ્યા પછી તેની યાદોને સાચવવા માટે અવનવા પ્રયાસો કરતો હોય છે, પરંતુ જપાનમાં રહેતી મિઝુકી તકારાયાએ તેના પિતા સાથે મળીને પોતાની દિવંગત માની યાદમાં જે કર્યું એ જાણીને કોઈની પણ આંખમાં આંસુ આવી જાય. પાંચ વર્ષ પહેલાં મિઝુકીની માતાએ ઘરમાં આખા પરિવાર માટે ખૂબ જ પ્રેમથી ‘બુતા નો કાકુની’ નામની પરંપરાગત વાનગી બનાવી હતી. જોકે આ વાનગી બન્યાના ગણતરીના કલાકોમાં જ બ્રેઇન-હૅમરેજ થવાને કારણે માતાનું અચાનક અવસાન થઈ ગયું.
આ આઘાતમાં પરિવાર ભાંગી પડ્યો. માતાના હાથે બનેલું આ છેલ્લું ભોજન ખાવાની કે એને ફેંકી દેવાની કોઈની હિંમત ન ચાલી એટલે બાપ-દીકરીએ એ વાનગીને ફ્રીઝરમાં સાચવીને મૂકી દીધી. પાંચ વર્ષ સુધી જ્યારે પણ ફ્રીઝર ખૂલતું ત્યારે તેમને માની હાજરીનો અહેસાસ થતો હતો.
આખરે પાંચ વર્ષ પછી એ આખરી નિશાનીનો સ્વાદ માણવા માટે મિઝુકીએ જપાનના લોકપ્રિય ટીવી-શો ‘તાંતેઈ નાઇટ સ્કૂપ’ની મદદ લીધી. પ્રોફેશનલ શેફ અને નિષ્ણાતોએ ફૂડને લૅબમાં ચેક કર્યું અને ‘હાઈ હીટ પ્રેશર કુકિંગ’ ટેક્નિકથી બૅક્ટેરિયામુક્ત કરીને એને ફરી ખાવા યોગ્ય બનાવ્યું. પાંચ વર્ષ પછી જ્યારે આ ભોજન બાપ-દીકરી સામે પીરસવામાં આવ્યું ત્યારે માના હાથનો એ જ સ્વાદ અનુભવીને બન્નેની આંખોમાંથી ધ્રુસકે-ધ્રુસકે અશ્રુધારા વહી નીકળી હતી.