05 January, 2026 09:36 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
આ બ્રશ એકસાથે મોંમાં દાંતને બન્ને તરફથી સાફ કરી લે છે
દાંત સ્વચ્છ અને સ્વસ્થ રાખવા હોય તો દિવસમાં બે વાર બ્રશ કરવાની જરૂર છે. જોકે બ્રશ કરવાનો કંટાળો આવતો હોય તો? હવે જૅપનીઝ નિષ્ણાતોએ એનો તોડ પણ કાઢી લીધો છે. તેમણે રોબો ટૂથબ્રશ તૈયાર કર્યું છે. આ મશીન મોંમાં મૂકી દેવાથી એક જ મિનિટમાં ચારેકોરથી દાંત અને જીભને સાફસૂથરાં કરી નાખશે. આ રોબોટિક ટૂથબ્રશની અંદર બીજાં નાનાં બ્રશ હેડ છે જે ઉપર-નીચે, ડાબે-જમણે અને આગળ-પાછળ ઘૂમે છે. પાવરફુલ મોટરથી ચાલતાં આ બ્રશ એકસાથે મોંમાં દાંતને બન્ને તરફથી સાફ કરી લે છે. હાથેથી બ્રશ કરતી વખતે કેટલું જોર વાપરવું એનો અંદાજ નથી આવતો. આ રોબો ટૂથબ્રશ એ બધું જ પોતાની મેળે નક્કી કરી લે છે. ૨૨૦ ગ્રામનું આ ટૂથબ્રશ મોબાઇલના USB ટાઇપ C ચાર્જિંગ કેબલથી ચાર્જ પણ થઈ શકે છે. હવે તો આ ટૂથબ્રશની પેટન્ટ પણ બની ગઈ છે અને ક્રાઉડ-ફન્ડિંગ ચાલુ થઈ ગયું છે. આ બ્રશ ૩૧,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે લગભગ ૧૭,૮૫૦ રૂપિયામાં ખરીદી શકાય એમ છે.