27 August, 2026 03:37 PM IST | Hirosaki | Gujarati Mid-day Correspondent
૧૮૦૦ લોકોએ ૩,૬૦,૦૦૦ કિલોનો મહેલ ખેંચીને ૨.૨૩ મીટર દૂર ખસેડ્યો
જપાનના હિરોસાકીમાં એક મહેલના મિનારાને રિપેર કરવા માટે દૂર ખસેડવામાં આવ્યો હતો અને એ પણ રસ્સીઓના સહારે. હા, અસંભવ લાગે એવી આ ઘટના ખરેખર બની છે. ૩૬૦ ટન વજન ધરાવતા મહેલને ખેંચવા માટે ૧૮૦૦ લોકો તહેનાત કરવામાં આવ્યા હતા. કિલ્લાની દીવાલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. એની સાથે મહેલના મિનારને ખેંચવા માટે એને ઊંચકીને રેલવેના ટ્રૅક જેવા પાટા પર રાખવામાં આવ્યો હતો. ૮૦-૮૦ જણની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમના લોકો દમ લગા કે હઈશા બોલી-બોલીને જોર લગાવતા અને દરેક વખતે તસુભાર કહેવાય એટલો મિનાર ખસતો હતો. એક ટીમ થાકે એટલે બીજી ટીમ કામે લાગે. આમ કરતાં પહેલા દિવસે મહેલનો મિનાર ૧.૧૩ મીટર જેટલો ખસ્યો. બીજા દિવસે પણ પ્રયત્ન ચાલુ રહ્યો અને બીજા દિવસે ૧.૦૯ મીટર ખસેડાયો. મિનારને કુલ પાંચ મીટર દૂર સુધી લોકો ખેંચશે. એ પછી બાકીનું ૭૩ મીટર સુધીનું અંતર મશીનો દ્વારા પાર પડાયું હતું.
જપાનમાં ધરતીકંપ આવ્યા પછી ૨૦૧૫માં હિરોસાકીના મહેલની દીવાલો નબળી પડી ગઈ હતી. એને રિપેર કરવા માટે મુખ્ય મિનારને તોડ્યા વિના જ ટ્રૅક પર મૂકીને ૭૭ મીટર દૂર ખસેડવામાં આવ્યો હતો. કૅસલની દીવાલોનું રિપેરિંગ પૂરું થઈ ગયા પછી હવે મિનારને ફરીથી એની મૂળ જગ્યા પર લાવવા માટે આ જહેમત ચાલી રહી છે. જપાનમાં બિલ્ડિંગને તોડ્યા વિના જ એને ટ્રૅક પર મૂકીને ખસેડીને રિપેર કરવાની પરંપરાગત ટેક્નિકને હિકિયા કહેવામાં આવે છે.