ઈ હમરા બિહાર હૈ બબુઆ: JDUના વિધાનસભ્ય ચેકઅપ માટે જેલમાંથી હૉસ્પિટલમાં ગયા, સ્મોકિંગ કરતા બહાર આવ્યા

20 January, 2026 09:41 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

JDUના વિધાનસભ્ય ચેકઅપ માટે જેલમાંથી હૉસ્પિટલમાં ગયા, સ્મોકિંગ કરતા બહાર આવ્યા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બિહારમાં સત્તાધારી જનતા દલ યુનાઇટેડ (JDU)ના વિધાનસભ્ય અનંત સિંહને જેલમાંથી ચેકઅપ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ચેકઅપ પૂર્ણ કર્યા પછી તેઓ અંદરથી સિગારેટ પીતાં બહાર આવતા જોવા મળ્યા હતા. આના કારણે બિહાર સરકારની આકરી ટીકા થઈ રહી છે. જન સુરાજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યામાં સંડોવણી માટેના કેસમાં JDUના વિધાનસભ્ય અનંત સિંહને જેલમાં પૂરવામાં આવ્યા છે. હૉસ્પિટલ પરિસરમાં સ્મોકિંગ કરી રહેલા અનંત સિંહના વિડિયો પર પ્રતિક્રિયા આપતાં બિહારમાં વિરોધ પક્ષ રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના નેતા એજાઝ અહમદે સવાલ કર્યો હતો કે કાયદો ક્યારે લાગુ થશે?

અહેવાલો અનુસાર આ ફુટેજ પટનાના ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (IGIMS)માં રેકૉર્ડ કરવામાં આવ્યું હતું જ્યાં અનંત સિંહને બેઉર જેલમાંથી મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.

RJD પ્રવક્તા પ્રિયંકા ભારતીએ વિડિયોની ક્લિપ શૅર કરીને નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકાર પર પ્રહાર કરતાં લખ્યું હતું કે અનંત સિંહ સુશાસનને ધુમાડામાં ઉડાડી રહ્યા છે, નીતીશજીનો લાડલો વિલન હૉસ્પિટલમાં સિગારેટ પીતી વખતે રીલ બનાવી રહ્યો છે. 

national news india bihar janata dal united political news