18 August, 2026 11:50 AM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
ઘરના દરવાજે પિતાની લાશ પડી હતી અને બે વીઘા જમીન માટે બહેન સાથે ભાઈઓ ઝઘડ્યા, ૩૫ કલાક પછી થયા અંતિમ સંસ્કાર
ઝાંસીના ચિરગાંવ નામના ગામમાં રહેતા ઠાકુરદાસ કુશવાહાને બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. તેમની પાસે કુલ પાંચ વીઘા જમીન હતી. જોકે ઠાકુરદાસની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમની બીજા નંબરની દીકરી અંગૂરી તેમને પોતાના ઘરે રાખવા માટે લઈ ગઈ હતી. દીકરીના ઘરે સારી સારવાર મળી રહી હતી એટલે ઠાકુરદાસે ખુશ થઈને પોતાની બે વીઘા જમીન અંગૂરીના નામે કરી દીધી. જોકે એના થોડા દિવસ પછી ઠાકુરદાસનું મૃત્યુ થઈ ગયું. દીકરી પિતાનો પાર્થિવ દેહ લઈને પોતાના પૈતૃક ગામ ચિરગાંવ પહોંચી ગઈ. જોકે ગામમાં રહેતા તેના ભાઈઓએ પિતાના અંતિમ સંસ્કાર કરવાની મનાઈ કરી દીધી. તેમની એક જ ડિમાન્ડ હતી કે જ્યાં સુધી બહેન બે વીઘા જમીન પાછી નહીં આપે ત્યાં સુધી પિતાના દાહસંસ્કાર નહીં થાય. ખાસ્સા ઝઘડા પછી બહેન માની ગઈ તો ભાઈઓએ પહેલાં જમીનનું રજિસ્ટ્રેશન પોતાના નામે કરવાનો આગ્રહ રાખ્યો. આખરે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન માટે કાર્યાલય પર બધા ગયા, પરંતુ ત્યાં ટેક્નિકલ ખામીને કારણે રજિસ્ટ્રેશન ન થઈ શક્યું. બીજા દિવસે ફરીથી અંતિમ સંસ્કાર પહેલાં બન્ને ભાઈઓ બહેનને લઈને રજિસ્ટ્રેશન માટે ગયા. એ વખતે પણ સર્વર ડાઉન હોવાથી કલાકો રાહ જોયા પછી સાંજ સુધીમાં કામ થયું પરંતુ ઘરે પહોંચતાં જ ભારે વરસાદ આવી ગયો. હવે શબને ગામથી દૂર આવેલા મુક્તિધામમાં કઈ રીતે લઈ જવા એ મુશ્કેલી આવી. આખરે સ્થાનિક પોલીસે મદદ કરીને રાતે અંતિમ સંસ્કાર કરાવવા માટેની મદદ કરતાં ઠાકુરદાસને મુક્તિ મળી.