19 November, 2026 01:05 PM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
દીપક વિશ્વકર્મા
ઝાંસીમાં અગિયારમા ધોરણમાં ભણતા દીપક વિશ્વકર્મા નામના ટીનેજરે સોમવારે ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો હતો. આ પાછળનું કારણ ચોંકાવનારું છે. લગભગ બે મહિનાથી તે ખૂબ તનાવમાં હતો. તેના વાળ ખરી રહ્યા હતા અને પ્યુબર્ટી એજને કારણે ચહેરા પર ખીલ નીકળી રહ્યા હોવાથી તેને એવું લાગવા લાગ્યું હતું કે તે સારો દેખાતો નથી. દીપક તેનાં માતા-પિતા અને ત્રણ ભાઈની સાથે રહેતો હતો. મોટા ભાઈ પવનને તે અવારનવાર કહેતો હતો કે ખીલને કારણે તેનો દેખાવ બગડી ગયો છે એટલે તે જીવવા નથી માગતો. એક વાર તો આવું કહીને તેણે હાથની નસ કાપી નાખી હતી. જોકે પવને એ વખતે તરત જ પેરન્ટ્સને બોલાવી લીધા હતા. સમયસર સારવાર મળી જતાં દીપક બચી ગયો હતો. સોમવારે સવારે તેના પેરન્ટ્સ ડૉક્ટર પાસે ગયા હતા ત્યારે દીપક ઘરમાં એકલો જ હતો. એ વખતે દીપકે સ્ટોર-રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પેરન્ટ્સ ઘરે આવ્યા ત્યારે દીકરાને લટકતો જોઈને તરત જ નીચે ઉતાર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. પરિવારજનોનું કહેવું હતું કે ‘દીપક પોતાના દેખાવ માટે ખૂબ જ નકારાત્મક થઈ ગયો હતો. તેને બહુ સમજાવવામાં આવ્યું હતું કે તેના દેખાવમાં કંઈ જ ખામી નથી, છતાં તે પોતાના ચહેરાને ઘૃણા કરવા લાગ્યો હતો.’