ઝારખંડના મેકૅનિકે મારુતિ ૮૦૦ને બનાવી દીધી લમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કાર

08 March, 2026 01:48 PM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

દેશી જુગાડમાં માહેર ભારતીયો કોઈ પણ ભંગાર જેવી ચીજોમાંથી પણ અદ્ભુત ચીજો તૈયાર કરવા સક્ષમ છે. એનું ઉદાહરણ તાજેતરમાં ઝારખંડના મેકૅનિકે રજૂ કર્યું છે

મારુતિ ૮૦૦ને લમ્બોર્ગિની જેવી બનાવી

દેશી જુગાડમાં માહેર ભારતીયો કોઈ પણ ભંગાર જેવી ચીજોમાંથી પણ અદ્ભુત ચીજો તૈયાર કરવા સક્ષમ છે. એનું ઉદાહરણ તાજેતરમાં ઝારખંડના મેકૅનિકે રજૂ કર્યું છે. મોહમ્મદ આરિફ નામના મેકૅનિકે તેની પાસેની જૂની મારુતિ ૮૦૦ કારને મૉડિફાય કરીને એની એવી કાયાપલટ કરી નાખી છે કે જોનારાની આંખો પહોળી થઈ જાય. આરિફે લગભગ ૪ લાખ રૂપિયાનો ખર્ચ કરીને મારુતિ ૮૦૦ને લમ્બોર્ગિની જેવી બનાવી દીધી છે. રિયલ લમ્બોર્ગિનીની સરખામણીમાં ચાર લાખનો ખર્ચ તો કંઈ જ ન કહેવાય. આરિફે કોઈ જ રેડીમેડ બૉડી કિટનો ઉપયોગ નથી કર્યો. તેણે ખુદ પૅનલ કાપીને વેલ્ડિંગ કરીને લમ્બોર્ગિની જેવો શેપ આપીને કારને મૉડિફાય કરી છે. જૂની બૉડી કાઢીને એની પર લાંબી અને પહોળી બૉડી ડિઝાઇન કરી છે અને વ્હીલ પાસેનો જે વળાંક હોય છે એ પણ પહોળો કર્યો છે જેથી એનો લુક સ્પોર્ટ્‍સ કાર જેવો આકર્ષક લાગે. ફાઇબરગ્લાસ બૉડી પાર્ટ્‍સ, ડીપ ફ્રન્ટ સ્પ્લિન્ટર, અલૉય વ્હીલ્સ, મોટી રિયર વિન્ગ ચેન્જ કરીને એની પર ચમકદાર નિયોન ગ્રીન રંગ કરી દીધો છે જે ઘણે અંશે સુપર સ્પોર્ટ્‍સ કાર જેવી દેખાય છે. માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ એને માત્ર ટૂ-સીટર બનાવી દેવાઈ છે અને ઉપર સનરૂફ પણ લગાવ્યું છે. જોકે બહારથી ભલે એ સુપરકાર દેખાય, એનું મૂળ એન્જિન તો મારુતિ ૮૦૦નું જ છે એટલે એનો પર્ફોર્મન્સ લમ્બોર્ગિની જેવો નથી. 

offbeat news jharkhand india national news automobiles