15 December, 2025 12:20 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના જોધપુર શહેરમાં એક રિક્ષાવાળો ગધેડાને દોરીને લઈ જઈ રહ્યો છે અને ગધેડાની પાછળ તેની ઈ-રિક્ષા જોડેલી છે. ઑટોરિક્ષાના માલિકે નવી-નવી ઈ-રિક્ષા ખરીદી હતી, પરંતુ એ વારંવાર ખરાબ થઈ જતી હતી. કંપની તરફથી બરાબર સર્વિસ પણ નહોતી મળતી અને તેના કામના દિવસો બરબાદ થઈ રહ્યા હતા. આખરે તેણે પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તા પર ઊતરવાનું નક્કી કર્યું. ઈ-રિક્ષાને દોરડાથી બાંધીને દોરડું આગળ ગધેડા સાથે જોડી દીધું. ગધેડાને દોરીને તેણે જોધપુરના ભરચક રસ્તા પર પ્રદર્શન શરૂ કરી દીધું. રિક્ષાની ઉપર પોસ્ટર પણ લગાવ્યું છે કે તેણે કેમ આવું પ્રદર્શન કરવા રસ્તા પર ઊતરવું પડ્યું છે. તેણે કંપની બરાબર સર્વિસ નથી આપી રહી એવો આરોપ લગાવ્યો છે. રિક્ષા ખરીદ્યા પછી વારંવાર બૅટરી અને મોટરની તકલીફ આવ્યા કરતી હોવાથી એની આડઅસર રોજગાર પર પડતી હોવાનો આરોપ મૂક્યો છે. સોશ્યલ મીડિયા પર એ વાઇરલ થયા પછી પણ કંપની તરફથી કોઈ પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો નથી. લોકોનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદવા માટે માર્કેટિંગ પાછળ જેટલા રૂપિયા ખર્ચાય છે એટલા એની સર્વિસ આપવા પાછળ નથી ખર્ચાતા.